દિલ્હીના LG વીકે સક્સેનાએ પણ અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેજરીવાલ સરકારમાં દિલ્હીની કાલકાજી વિધાનસભાથી ધારાસભ્ય આતિશીનું કદ ઘણું વધી ગયું છે. અગાઉ કેબિનેટમાં નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે હતી.
રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલે પોતાની કેબિનેટમાં ફેરફાર કરીને આતિશીને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી છે. આતિશી પહેલાથી જ શિક્ષણ મંત્રી છે, હવે તેમને નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી મનીષ સિસોદિયા પાસે હતી
દિલ્હીના LG વીકે સક્સેનાએ પણ અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેજરીવાલ સરકારમાં દિલ્હીની કાલકાજી વિધાનસભાથી ધારાસભ્ય આતિશીનું કદ ઘણું વધી ગયું છે. અગાઉ કેબિનેટમાં નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે હતી, પરંતુ તે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જેલમાં છે, તેથી જ હવે આતિશીને આ જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્હી સરકારમાં આતિશીનું કદ વધ્યું
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા વરિષ્ઠ મંત્રી જેલમાં હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સરકાર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, ખાલી પડેલા પોર્ટફોલિયોને અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી રહ્યા છે. તેમાંથી, આતિશી સૌથી મજબૂત મંત્રી તરીકે ઉભરી આવ્યા છે, તેમની પાસે હાલમાં દિલ્હી સરકારના લગભગ એક ડઝન વિભાગની જવાબદારી છે.
દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કુલ 7 મંત્રીઓ
દિલ્હી સરકારના મંત્રી મંડળમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત 7 મંત્રીઓ છે. તેમાંથી, ઇમરાન હુસૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, રાજ કુમાર આનંદ, સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેના કેબિનેટ મંત્રી તરીકે વિવિધ વિભાગો સંભાળી રહ્યા છે. અગાઉ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા પણ કેબિનેટમાં હતા, પરંતુ જેલમાં ગયા બાદ બંનેએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીમાં કુલ ધારાસભ્યોની સંખ્યા 70 છે અને કોઈપણ સરકારમાં કુલ ધારાસભ્યોના માત્ર 10 ટકા જ મંત્રી બની શકે છે. તે મુજબ દિલ્હી સરકારમાં માત્ર 7 મંત્રીઓ હોઈ શકે છે.