બેંગલુરુમાં 39 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટે તેની માતાની હત્યા કરી હતી. હત્યા બાદ લાશને સૂટકેસમાં ભરીને પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસે મહિલાની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે મહિલાનો તેની માતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો, જેનાથી કંટાળીને તેણે આ હત્યા કરી નાખી હતી.
ઘટના સમયે સાસુ-સસરા હાજર હતાં
આરોપી મહિલાની ઓળખ સેનાલી સેન તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળની છે. હાલમાં પતિ અને સાસુ સાથે બેંગલુરુમાં એક ફ્લેટમાં રહે છે. સોમવારે તે સૂટકેસ લઈને મિકો લેઆઉટ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને જણાવ્યું કે એમાં તેની માતાનો મૃતદેહ હતો. એ બાદ કલમ 302 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે પતિ ઘરે હાજર નહોતો. સાસુ બીજા રૂમમાં હતાં, પરંતુ પુત્રવધૂએ તેની માતાની હત્યા કરી હોવાની તેને જાણ નહોતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્ક્રૂ-ડ્રાઇવર વડે આંખો ફોડી, બ્લેડ વડે ગળું કાપ્યું, તળાવમાંથી તરતી લાશ મળી
તેલંગાણામાં એક 19 વર્ષની ટ્રેઇની નર્સની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ સ્ક્રુ-ડ્રાઈવર વડે તેની આંખો ફોડી નાખી હતી. બાદમાં બ્લેડ વડે ગળા પર ઘા માર્યા હતા. રવિવારે નર્સની લાશ તળાવમાં તરતી મળી આવી હતી. આ ઘટના તેલંગાણાના વિકરાબાદ જિલ્લાના કાલાપુર ગામમાં બની હતી. મૃતક નર્સની ઓળખ જટ્ટુ શિરીષા તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, નર્સ 10 જૂને રાત્રે 11 વાગ્યે ઘરેથી નીકળી હતી. એ બાદ તે ઘરે પરત ફરી નહોતી. ઇન્ટરમિડિયેટની વિદ્યાર્થીની શિરીષાએ હાલમાં પેરામેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું.
નર્સનો જીજા સાથે ઝઘડો થયો હતો
આ અંગે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. પરિગીના ડીએસપી કરુણાસાગર સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. જાણવા મળ્યું હતું કે ગત રાત્રે શિરીષાનો તેની મોટી બહેનના પતિ અનિલ સાથે ઝઘડો થયો હતો. અનિલે શિરીષાને થપ્પડ મારી. એ બાદ શિરીષાએ આત્મહત્યા કરી લેવાની વાત કહીને ઘર છોડી દીધું હતું. પોલીસને આશંકા છે કે તેના થોડા કલાકો બાદ જ તેની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું- હત્યા કોઈ એકે નથી કરી
પોલીસે શંકાના આધારે બહેનના પતિ અનિલની પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ શિરીષાના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીએસપીએ કહ્યું હતું કે શિરીષાની હત્યામાં કોઈ એક વ્યક્તિ સામેલ નથી, ઘણા લોકો એમાં સામેલ હશે. આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે એમ જણાવ્યું હતું.