રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને બુધવારે (14 જૂન) લંડનમાં સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને આ સન્માન કોવિડ મહામારી દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અને ફુગાવાના કાર્યક્ષમ સંચાલન માટે આપવામાં આવ્યું છે.
આયોજકોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘RBI ગવર્નરે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમના કાર્યકાળ દરમિયાન વિશ્વની અગ્રણી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ઝડપથી વિસ્તરણ કર્યું છે. તેમણે મુશ્કેલ સમયમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.
દાસે આ પડકારોનો સામનો કર્યો
દાસે મોટી નોન-બેંકિંગ ફર્મ IL&FSની નાદારીથી માંડીને કોવિડ-19 રોગચાળાના પ્રથમ અને બીજા લહેર સાથે યુક્રેન પર રશિયાના આક્રમણ સુધીના પડકારોનો સામનો કરવો પડ્યો. દાસના નેતૃત્વ હેઠળ, આરબીઆઈએ જટિલ સુધારાઓ અમલમાં મૂક્યા, ઈનોવેટિવ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી અને રોગચાળા દરમિયાન વૃદ્ધિ-સહાયક પગલાં ભર્યા. તે જ સમયે, તાજેતરમાં તેઓએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
દાસ આ એવોર્ડથી સન્માનિત થનારા બીજા RBI ગવર્નર છે
શક્તિકાંત દાસ બીજા RBI ગવર્નર છે જેમને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અગાઉ 2015માં રઘુરામ રાજનને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દાસ 1980 બેચના IAS અધિકારી છે
શક્તિકાંત દાસ દિલ્હીની સ્ટીફન્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને 1980 બેચના IAS અધિકારી છે. મે 2017 સુધી તેઓ આર્થિક બાબતોના સચિવ હતા. દાસે 12 ડિસેમ્બર 2018ના રોજ આરબીઆઈના 25મા ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉર્જિત પટેલના રાજીનામા બાદ તેમને ગવર્નર બનાવવામાં આવ્યા હતા.
નવેમ્બર 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ દાસ મુખ્ય મોરચે હતા. દાસે 15મા નાણાં પંચમાં સભ્ય તરીકે પણ સેવા આપી હતી. બ્રિક્સ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને સાર્કમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.