‘મકરાસન’, ‘અર્ધઉષ્ઠાસન’, ‘ઉત્તાનમંડૂકાસન’, ‘વક્રાસન’, ‘ભૂજંગાસન’ જેવા વિવિધ આસનો દ્વારા થયા સામૂહિક યોગ
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉત્સાહપૂર્વક કરવામાં આવી ‘યોગ દિવસ’ની ઉજવણી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવવવામાં આવ્યું
સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજરોજ જ્યારે હજારોની માત્રામાં યોગ અભ્યાસુઓએ યોગ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યુગ અભ્યાસુ ને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. જેનાથી યોગ અભ્યાસુઓમાં પુનઃ ઊર્જાનો સંચાર થયો હતો.
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેનવાજાના અધ્યક્ષસ્થાને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ હેઠળ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામે ‘શલભાસન’,’મકરાસન’, ‘અર્ધઉષ્ઠાસન’, ‘ઉત્તાનમંડૂકાસન’, ‘વક્રાસન’, ‘ભૂજંગાસન’ જેવા વિવિધ આસનોથી સામૂહિક યોગ દ્વારા ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તકે સ્વામિનારાયણ દ્રોણેશ્વર ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ યોગ નિદર્શન કર્યુ હતું સાથે જ ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)