રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિત લોકોની ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં એસટી બસ સ્ટેશન ખાતે બસમાં ચડવા જતા વ્યક્તિ પાસેથી એક મોબાઈલ ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે રાજ્યમાં વિવિધ સ્થળે આવી ચોરી કરનાર શખ્સ રાજકુમાર નારાયણ નોનીયા કુર્મીને રેલવે સ્ટેશન રોડ પરથી ઝડપી પાડ્યો છે.
ન્યૂઝ પેપરની આડમાં મોબાઈલ ચોર્યો
પ્રાપ્ત વિગત મુજબ એ-ડિવિઝન પોલીસમાં બસ સ્ટેન્ડ ખાતેથી મોબાઈલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે સીસીટીવી તપાસતા સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, એક વ્યક્તિ બસમાં ચડવા જતા હતા. ત્યારે તેની પાછળ ઉભા યુવકે અખબારની આડમાં મોબાઈલની ચોરી કરી હતી. આ સીસીટીવીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટ રેલવે જંક્શન નજીકથી એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો.
આરોપી અગાઉ 3 ચોરીમાં ઝડપાયો હતો
ક્રાઇમ બ્રાન્ચે રાજકુમાર નારાયણ નોનીયા કુર્મી નામના આ શખ્સનો ગુનાહિત ઇતિહાસ ઇ. ગુજકોપ સોફ્ટવેરમાં ચેક કરતા તે અગાઉ 3 ચોરીમાં ઝડપાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તેને 8 જૂને એસટી બસ સ્ટેન્ડમાંથી ચોરી થયેલ મોબાઇલનાં સીસીટીવી ફૂટેજનો વીડિયો બતાવતા આ વીડિયોમાં પોતે હોવાનુ અને તેણે જ મોબાઇલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી સુરતનાં લીંબાયતમાં ભાડાનાં મકાનમાં રહેતો
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાજકુમાર હાલ સુરતનાં લીંબાયત ખાતે ભાડાનાં મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેના વિરુદ્ધ રાજકોટ એ ડિવિઝન પોલીસ ઉપરાંત ભરૂચ રેલવે પોલીસ, ગોધરા એ-ડિવિઝન પોલીસ, તેમજ સુરત શહેર પુણા પોલીસમાં પણ વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા આ તમામ પોલીસ મથકે આરોપી ઝડપાઇ ગયા અંગેની જાણ કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.