વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા પહોંચી ગયા છે. અહીં તેમણે વારંગલના ભદ્રકાલી મંદિરમાં પૂજા કરી હતી. આ પછી ગાયને ચારો ખવડાવવામાં આવ્યો. આ પછી તેમણે 6100 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં હાઈવેથી લઈને રેલવે સુધીના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પછી પીએમ મોદીએ હનમકોંડાના કોલેજ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધતા કહ્યું, નવાં લક્ષ્યો માટે નવા રસ્તા બનાવવા પડશે. મેક ઈન ઈન્ડિયાથી રોજગારીની તકો વધી છે. ભારતમાં બનેલી વંદે ભારત ટ્રેનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
PMના સંબોધનની મોટી વાતો…
આપણી પાસે ગોલ્ડન સમય છે, દરેક સેકન્ડનો ઉપયોગ કરો
PMએ કહ્યું- આજનું નવું ભારત યુવા ભારત છે, ઊર્જાથી ભરેલું છે. 21મી સદીના આ ત્રીજા દાયકામાં આ સુવર્ણકાળ આપણી સામે આવ્યો છે. આપણે આ સુવર્ણકાળની દરેક સેકન્ડનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ઝડપી વિકાસની કોઈપણ સંભાવનાથી દેશનો કોઈ ખૂણો પાછળ ન રહેવો જોઈએ.
સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા આગળ આવી રહ્યું છે
વિશ્વમાં ભારતની વધતી સ્થિતિ અંગે PMએ કહ્યું કે, આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યું છે ત્યારે વિકસિત ભારતને લઈને ઘણો ઉત્સાહ છે. ત્યારે તેલંગાણાની સામે ઘણી તકો છે. તેલુગુ લોકોની તાકાતે હંમેશાં ભારતની તાકાત વધારી છે. આજે જ્યારે ભારત વિશ્વની 5મી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે ત્યારે તેમાં પણ તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા છે.
PM આજે સાંજે બિકાનેર જશે, 24 હજાર કરોડની ભેટ આપશે
PM નરેન્દ્ર મોદી આજે સાંજે બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધુની કિંમતના આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
- અમૃતસર-જામનગરના છ માર્ગીય ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન.
- રૂ. 10,950 કરોડના ખર્ચે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઇનના તબક્કા-1નું ઉદ્ઘાટન.
- બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હોસ્પિટલનું ઉદ્ઘાટન.
- તેઓ 450 કરોડના ખર્ચે બનેલા બિકાનેર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.
- તેઓ 43 કિલોમીટર લાંબી ચુરુ-રતનગઢ રેલવે લાઇનને ડબલ કરવા માટે શિલાન્યાસ કરશે.
PMએ 7 જુલાઈએ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી
આ પહેલાં 7 જુલાઈએ પીએમ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. રાયપુરમાં પીએમએ 7 હજાર કરોડના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા. યુપીમાં તેઓ પહેલા ગોરખપુરમાં ગીતા પ્રેસ ગયા, પછી વારાણસી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાયપુરમાં 7,000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં. વિજય સંકલ્પ રેલીને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ છત્તીસગઢને એટીએમ માને છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ગંગાજીના ખોટા શપથ લીધા હતા. દારૂબંધી સહિતનાં 36 વચનો આપ્યાં, પરંતુ વચનો પૂરાં કર્યાં નથી. હજારો કરોડનું દારૂનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગીતા પ્રેસના શતાબ્દી વર્ષની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગોરખપુર જંક્શનથી વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન અયોધ્યા થઈને લખનૌ સુધી ચાલશે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવતી વખતે સીએમ યોગી પણ તેમની સાથે હતા.