News Updates
NATIONAL

બેંગલુરુમાં વિપક્ષોની બીજી મિટિંગ, 26 પાર્ટી પહોંચી:લોકસભાની બેઠકની વહેંચણી અને UPAના નવા નામ પર થશે ચર્ચા; સોનિયા-રાહુલ પહોંચ્યાં

Spread the love

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવા માટે આજે બેંગલુરુમાં વિપક્ષની પાર્ટીઓની બીજી બેઠક શરૂ થઈ રહી છે. સોનિયા ગાંધી અને રાહુલ પણ બેંગલુરુ પહોંચી ગયા છે. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે 26 પાર્ટી પહોંચી ગઈ છે.

વેણુગોપાલે કહ્યું- તમામ પક્ષોના નેતાઓ બેંગલુરુ પહોંચી રહ્યા છે. સોનિયા અને રાહુલ ગાંધી પણ આવી ગયાં છે. સોનિયા ગાંધીએ આજે ​​સાંજે વિરોધપક્ષોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આજે આવશે. શરદ પવાર આજે બેંગલુરુ નહીં આવે. તેઓ આવતીકાલની બેઠકમાં હાજરી આપશે. પવાર સાથે સુપ્રિયા સુલે પણ આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષની બેઠકના એજન્ડામાં ત્રણ બાબત પર ચર્ચા થઈ શકે છે – પ્રથમ – લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા, બીજી – સીટ શેરિંગ અને ત્રીજું – યુપીએનું નવું નામ.

આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ, મણિપુર હિંસા, 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સાથે ભાજપની પાર્ટીઓને તોડવાની સ્ટ્રેટેજી અને તેના કાઉન્ટર પ્લાન પર પણ ચર્ચા થશે. બેઠક પહેલાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું- વિપક્ષની પ્રથમ બેઠક બાદ હવે NDAમાં પણ પ્રાણ ફૂંકવાના પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધી NDAનો કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહોતો.

તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી, આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ બેઠકથી દૂર રહ્યા છે.

બીજી તરફ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ 18 જુલાઈએ દિલ્હીની અશોકા હોટલમાં NDAની બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

ખડગેએ કહ્યું- અમારી બેઠકથી ગભરાઈ ગયા છે
NDAની બેઠક પર કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- મને આશ્ચર્ય છે કે મોદીજીએ રાજ્યસભામાં કહ્યું હતું કે હું એકલો વિપક્ષની તમામ પાર્ટીઓ પર ભારે છું. જો તેઓ એકલા જ વિપક્ષની તમામ પાર્ટીઓ પર ભારે છે તો શા માટે 30 પક્ષને ભેગા કરી રહ્યા છે. આ સાથે તેઓ લોકો 30 પાર્ટીના નામ તો જણાવે. તેઓ અમારી બેઠકથી ગભરાઈ ગયા છે.

નવા નામ સાથે વિપક્ષના નેતા જનતાની વચ્ચે જશે , બદલાશે UPAનું નામ!
કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને આમ આદમી પાર્ટી (AAP) સહિત ભાજપવિરોધી પક્ષોના નવા ગઠબંધનને હવે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) કહેવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બેંગલુરુમાં વિપક્ષની બેઠક દરમિયાન નવા નામ પર નિર્ણય લેવામાં આવી શકે છે.

કેસી વેણુગોપાલ ગુસ્સે થઈ ગયા
બેઠક પહેલાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, વિવેક તન્ખા અને ડીકે શિવકુમારે પત્રકાર પરિષદ યોજી હતી. વેણુગોપાલ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના સવાલ અને વિરોધપક્ષના નેતાના સવાલ પર પત્રકારો પર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું- મણિપુરમાં 75 દિવસથી હિંસા ચાલી રહી છે. આ અંગે વડાપ્રધાન મૌન છે. સરકાર ઈચ્છે છે કે વિપક્ષ પણ મૌન રહે. રાહુલ ગાંધીની સંસદનું સભ્યપદ ગેરલાયક ઠેરવવા જેવા મોટા મુદ્દા છે. દેશનું બંધારણ અને લોકશાહી ખતરામાં છે. તમે લોકો આ મામલે સવાલ કરતા નથી.

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 8 નવી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. આ બેઠક પહેલાં શિમલામાં યોજાવાની હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલમાં ભારે વરસાદને કારણે સ્થળ બદલવામાં આવ્યું હતું.

બીજી તરફ, NDAએ 18 જુલાઈએ બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં સરકાર સાથે 30 પાર્ટી જોવા મળશે. આ માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એનડીએ સહયોગીઓને આમંત્રણપત્ર મોકલવાનું શરૂ કરી દીધું છે.

ગઈ બેઠકમાં 17 વિરોધ પક્ષોએ હાજરી આપી હતી
પહેલી બેઠક 24 દિવસ પહેલા 23 જૂને બિહારના સીએમ નીતિશ કુમાર દ્વારા પટનામાં બોલાવવામાં આવી હતી, જેમાં 17 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. આ વખતે વિપક્ષના જુથને મજબૂત કરવા માટે વધુ 8 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિપક્ષી એકતાની પ્રથમ બેઠકમાં જનતા દળ યુનાઇટેડ (JDU), રાષ્ટ્રીય જનતા દળ (RJD), આમ આદમી પાર્ટી (AAP), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), તૃણમૂલ કોંગ્રેસ (TMC), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી સીપીએમ, સીપીઆઈ (એમએલ), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), એસપી, જેએમએમ અને એનસીપી જોડાયા હતા.

26 પાર્ટીના નેતાઓ આવશે
આ વખતે વિપક્ષને વધુ મજબૂત કરવા વધુ 8 પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કડગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથિગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) સહમત થયા છે. આ નવા પક્ષોમાંથી, કેડીએમકે અને એમડીએમકે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે હતા.

ભાજપે પણ કાલે એનડીએ સાથીપક્ષોની બેઠક બોલાવી

વિપક્ષની બેઠકના જવાબમાં ભાજપે 18 જુલાઈએ એનડીએ સહયોગીઓની બેઠક બોલાવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભાજપે તેની તમામ જૂની પાર્ટીઓને બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ભાજપના આહવાન પર 19 પાર્ટી બેઠકમાં સામેલ થવાની પૃષ્ટિ કરી છે.

ભાજપે આ બેઠકમાં ચિરાગ પાસવાન (લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), ઉપેન્દ્ર કુશવાહા (લોક સમતા પાર્ટી), જીતન રામ માંઝી (હિન્દુસ્તાન અવમ મોરચા), સંજય નિષાદ (નિષાદ પાર્ટી), અનુપ્રિયા પટેલ (અપના દળ), પવન કલ્યાણ (જનસેના)ની સામેલ થવાની ચર્ચા છે. એટલું જ માત્ર ચિરાગના કાકા પશુપતિનાથ પારસ જૂથને પણ એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત હરિયાણામાં ભાજપના સહયોગી જનનાયક જનતા પાર્ટી, તામિલનાડુમાં AIMDMK, તમિળ મનિલા કોંગ્રેસ, ભારત મક્કલ કાલવી મુન્નેત્ર કડગમના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. એટલું જ નહીં, ઝારખંડની આજસુ, મેઘાલયની NPP, નાગાલેન્ડની NDPP, મિઝો નેશનલ ફ્રન્ટ, આસામ ગણ પરિષદ, સિક્કિમમાં BJPની સહયોગી એસકેએમના બેઠકમાં હાજરી આપવા માટે મંજૂરી આપી છે

બીજી તરફ, મહારાષ્ટ્રમાં એનસીપીના એકનાથ શિંદે (શિવસેના) અને અજિત જૂથને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. આ સિવાય એનડીએમાં ભાજપનો જૂનો સાથી શિરોમણિ અકાલી દળ અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી પણ તેમને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ પક્ષો માટે હજુ સુધી વાતચીત થઈ હોય એવું દેખાતું નથી.

બેઠકનો હેતુ 2024માં ભાજપને હરાવવાનો છે
આ બેઠકનો હેતુ 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં વર્તમાન મોદી સરકાર સામે મજબૂત વિપક્ષ તૈયાર કરવાનો છે. નીતીશ કુમારનું કહેવું છે કે અત્યારે તમામ પક્ષોને એક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વિપક્ષમાં વડાપ્રધાનનો ચહેરો કોણ હશે? આની ચર્ચા કરવામાં આવશે નહીં.

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વિપક્ષના ટોચના નેતાઓને આગામી બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે વિપક્ષી એકતા અંગે ચર્ચા ચાલુ રાખવી પડશે.

દિલ્હી અધ્યાદેશ પર કોંગ્રેસનું સમર્થન મળ્યા બાદ AAP પણ જોડાશે
અગાઉ દિલ્હીના સીએમ કેજરીવાલના આગમન પર પણ શંકા હતી, પરંતુ કોંગ્રેસે રવિવારે દિલ્હીમાં કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે AAPને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ પછી કેજરીવાલે બેઠકમાં હાજરી આપવાની વાત કરી.
ખરેખર પહેલી બેઠકમાં કેજરીવાલે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ તેમને સમર્થન નહીં આપે તો તેઓ બીજી બેઠકમાં નહીં આવે.

પટનાની બેઠકમાં સામેલ 15 પક્ષમાંથી 12 પક્ષનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ છે. કેન્દ્રના વટહુકમ પર કોંગ્રેસ સહિત તમામ 12 પાર્ટીએ AAPને સમર્થન આપ્યું છે. તમામ પક્ષોએ રાજ્યસભામાં એનો વિરોધ કરવાની વાત કરી છે.

28માંથી 10 રાજ્યમાં ભાજપ અને 4માં કોંગ્રેસ
હાલમાં દેશના 28માંથી 10 રાજ્યમાં ભાજપે બહુમતી સાથે સરકાર બનાવી છે. એ જ સમયે મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથ સાથે ભાજપની સરકાર છે. રાજસ્થાન, છત્તીસગઢ સહિત 4 રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે અને 3 રાજ્યમાં પાર્ટીનું ગઠબંધન છે.

1977માં પહેલીવાર વિપક્ષી નેતાઓ એકસાથે આવ્યા, ગઠબંધન સરકારની રચના થઈ
દેશમાં ઈમર્જન્સી બાદ પ્રથમ વખત 1977માં વિપક્ષના નેતાઓ એકસાથે આવ્યા હતા. પછી મોરારજી દેસાઈના નેતૃત્વમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચાઈ. પછી અનેક પક્ષો એકસાથે આવ્યા. જનતા પાર્ટીની રચના જયપ્રકાશ નારાયણની પહેલ પર થઈ હતી. જનતા પાર્ટીએ પણ ચૂંટણી જીતીને સરકાર બનાવી, પરંતુ તે ચૂંટણીમાં પણ વડાપ્રધાન પદ માટે કોઈને ચહેરો બનાવવામાં આવ્યો ન હતો.

આ પછી જનતા પાર્ટીએ 1989માં વીપી સિંહના નેતૃત્વમાં અલગ-અલગ પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવી. ત્યારે પણ પીએમ માટે કોઈ ચહેરો સામે આવ્યો નહોતો. ત્યાર બાદ 1996માં ભાજપે અટલ બિહારી વાજપેયીને પોતાનો ચહેરો જાહેર કર્યો અને ચૂંટણી લડી અને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી. આ સાથે પીએમના ચહેરા પર ચૂંટણી લડવાની પરંપરા પણ શરૂ થઈ ગઈ છે. 2004ની ચૂંટણીમાં કોંગ્રેસે નાના પક્ષોની મદદથી ચહેરા વિનાની ચૂંટણી લડી હતી, ત્યાર બાદ મનમોહન સિંહ યુપીએમાં વડાપ્રધાન બન્યા હતા.


Spread the love

Related posts

ચીન પીછેહઠ નહીં કરે ત્યાં સુધી ભારતીય વાયુ સેના LAC પર રાખશે નજર- એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી

Team News Updates

પ્રિયંકા ગાંધીનો MPમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ:101 બ્રાહ્મણો સાથે નર્મદાનું પૂજન કર્યું, થોડીવારમાં જાહેર સભાને સંબોધશે

Team News Updates

દિલ્હીના LGને સત્તા આપવા પર CM માન રોષે ભરાયા:માને કહ્યું- દેશને 30-31 રાજ્યપાલ અને PMએ જ ચલાવવો જોઈએ, ચૂંટણીમાં કરોડો- અબજોનું પાણી શું કામ કરવું જોઈએ

Team News Updates