સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા વિવાદ થાય તેવા અનેક મામલા અવાર-નવાર સામે આવતા હોય છે. આ વચ્ચે પાટણના બાલીસણામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા મામલે મનદુ:ખ થતા બે જૂથો વચ્ચે રાત્રે ધીંગાણું થયું હતું. લોખંડના પાઈપ, ધારીયા સહિતના હથિયારો તેમજ પથ્થરો વડે સામસામે મારામારી થતા તંગદિલી ભર્યો માહોલ ઉભો થયો હતો. એકબીજા ઉપર ધોકા, લાકડી વડે હુમલો કરતા 8 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેના CCTV પણ સામે આવ્યાં છે. આ ઘટનાને પગલે બંને જૂથ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કુલ 12 લોકો સામે ગુનો નોંધાયો છે. તેમજ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બંને જૂથના લોકોએ એકબીજા પર હુમલો કર્યો
પાટણના બાલીસણામાં રવિવારની રાત્રે બઘડાટી બોલી ગઈ હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે થયેલા વિવાદને લઈ સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના બે જૂથો વચ્ચે રાત્રે વિવાદ વધતા ઘટના જૂથ અથડામણમાં પરિણમી હતી. બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર હુમલો કરતા મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં 8 લોકોને ઈજાઓ પહોંચી હતી.
તંગદિલીભર્યા માહોલ વચ્ચે પોલીસનો કાફલો ખડકાયો
બે જૂથો વચ્ચે થયેલા અથડામણને લઈ ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા પોલીસનો કાફલો ગામમાં ખડકાઈ ગયો હતો. ઘટના મામલે પોલીસે બંને જૂથોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. એક પક્ષ દ્વારા બે યુવકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે 10 લોકો સહીત ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
બાલીસણામાં થયેલી બબાલના CCTV પણ સામે આવ્યાં હતા. જેમાં જોઈ શકાય છે કે, લોકોનું ટોળું એકબીજા પર હથિયારોથી હુમલા કરી રહ્યું છે. હાથમાં હથિયાર લઈ દોડાવી દોડાવીને લોકો એકબીજાને મારી રહ્યા છે. થોડીવાર માટે મામલો ખુબ ગરમાયો હતો. ધોકા વડે પણ લોકો હુમલો કરી રહ્યા છે.
‘પરિસ્થિતિ અત્યારે નિયંત્રણ હેઠળ’
સિદ્ધપુરના DySp કે. કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાના મામલે મનદુ:ખ થયું હતું જે બાદ જૂથ અથડામણ થઈ હતી. જે ઘટનાને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સૌથી પહેલા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ થાળે પાડી હતી. ત્યારબાદ બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા બન્નેની ફરિયાદ લેવામાં આવી હતી. એક પક્ષના 6 લોકોને ઈજા પહોંચી છે. જ્યારે બીજા પક્ષના 2 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં છે. ત્યાં હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિસ્થિતિ અત્યારે નિયંત્રણ હેઠળ છે અને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુ છે. વાયરલ પોસ્ટ બાબતે હાલ તપાસ ચાલુ છે. હાલ એક પક્ષે નામજોગ 10 આરોપીઓ છે અને બાકી ટોળા સ્વરૂપે ફરિયાદ જાહેર થઈ છે. બાકી બીજા પક્ષે પણ આરોપીઓ છે.
બાલીસણા ગામે મારામારીમાં સામ સામે નોંધાયેલ ફરિયાદમાં નામ
અબ્દુલ ઉર્ફે ભેલુ માસ્તર કાદર માસ્તર ગામ- બાલીસણા
તોફિક હુસેન નરમીયા શેખ ગામ- બાલીસણા
સહદ મહંમદ હસાબ શેખ ગામ- બાલીસણા
આરિફ અબ્દુલભાઇ શેખ ગામ- બાલીસણા
ઇલિયાસ ઇબ્રાહિમભાઇ શેખ ગામ-બાલીસણા
ફૈજરઅલી મિજામ ઉડ્રીલ શેખ ગામ-બાલીસણા
એહમદભાઇ ડેલીગેટ ગામ-બાલીસણા
સિકંદર અબ્દુલભાઇ ઇકો ગાડીવાળો ગામ-બાલીસણા
ખલીલભાઇ દિલાવરભાઇ ગેરેજવાળો ગામ- બાલીસણા
આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે જેનું નામ સામે આવ્યું નથી
સામે પક્ષના નામ
ક્રિશ પટેલ- ગામ-બાલીસણા
નિમેષ પટેલ -ગામ- બાલીસણા