અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલને ગઈકાલે સરખેજ પોલીસ ટ્રાન્સફર વોરંટથી જ્યુડિશિયલ કસ્ટડીમાંથી થાર અકસ્માત કેસમાં તપાસ માટે લઈ ગઈ હતી. જેમાં તેને જામીન મળતા પરત જેલ હવાલે કરાયો છે.
કેસ હવે અમદાવાદ સેશન્સ જિલ્લા ન્યાયાલયમાં ચાલશે
ત્યારે આગામી 7 અથવા 8 ઓગસ્ટે તથ્ય પટેલના કેસને સેશન્સ કમિટ કરાશે. જેની અરજી તૈયાર થઈ ચૂકી છે. એટલે કે, આ કેસ હવે અમદાવાદ સેશન્સ જિલ્લા ન્યાયાલયમાં ચાલશે. તેની બેથી ત્રણ મુદ્દત બાદ તથ્ય પટેલ પર ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં તથ્ય પટેલને કોર્ટમાં ઉપસ્થિત રખાશે.
કેસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ
ઉલ્લેખનીય છે કે, આરોપી સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોનાં સગાં સહિત 191 જેટલા સાહેદો છે.
ગઈકાલે ટ્રાન્સફર વોરંટથી સરખેજ પોલીસે કસ્ટડી લીધી હતી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ કેસમાં 9 લોકોને જેગુઆર ગાડીથી કચડી નાખનાર તથ્ય પટેલની મુશ્કેલીઓ વધી છે. તથ્ય પટેલે આ અકસ્માત અગાઉ અમદાવાદના એક કાફેમાં થાર કાર ઘુસાડી દેતાં તેની દીવાલ તોડી નાખી હતી. ત્યાર બાદ કાફે-માલિક અને આરોપી વચ્ચે સમાધાન થયું હતું. જો કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તેનું આ કારનામું પણ બહાર આવતાં પોલીસે કાફે-માલિકની ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં ગઈકાલે સરખેજ પોલીસે અમદાવાદ જિલ્લા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈને કસ્ટડી લીધી હતી. આ ઉપરાંત તથ્યએ ગાંધીનગરના એક મંદિરમાં પણ ગાડી ચઢાવી દીધી હતી. આ બાબતો પરથી તથ્ય અકસ્માત કરવા પંકાયેલો છે એવું જાહેર થાય છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલ સામે 1684 પાનાંની ચાર્જશીટ
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલે જેગુઆર કારથી 9 લોકોને કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં પોલીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે ચાર્જશીટ ફાઈલ કરવા અમદાવાદ કોર્ટમાં પહોંચી હતી. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક-પોલીસે તથ્ય પટેલ સામે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી. એસીપી એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને આવ્યા હતા. ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ અમદાવાદના ઇન્ચાર્જ સીપી પ્રેમવીરસિંહે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કેસ અમારા માટે ચેલેજિંગ હતો, આરોપીની ખરાબ ડ્રાઇવિંગની જૂની આદત છે.
15 દસ્તાવેજી પુરાવા, 8 પોસ્ટમોર્ટમ નોટ
તથ્ય પટેલ સામે પોલીસે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં 15 દસ્તાવેજી પુરાવા, 8 સાક્ષી, 8 પોસ્ટમોર્ટમ નોટ, 191 સાહેદોની તપાસ, ચાર્જશીટ મુજબ મારનાર 9, 164 નિયમ મુજબ 8 નિવેદન, 173(8)ની તપાસ ચાલુ છે. ઇજા પામનારા 12, બે વ્યક્તિ સારવાર હેઠળ છે. 20 તારીખે ગુનો રજિસ્ટર અને 27એ ચાર્જશીટ ફાઈલ કરાઇ છે. ટોટલ પંચનામા 25 અને સારવાર સર્ટિફિકેટ 8નો સમાવેશ થાય છે.
137 KMની સ્પીડે તથ્ય પટેલે કારનું એક્સિલેટર પૂરું દબાવેલું હતું
જેગુઆર કારનો રિપોર્ટ આવ્યા બાદ તથ્યની માનસિકતા છતી થઈ છે. આ સમગ્ર રિપોર્ટની અંદર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે, એટલે કે કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે 137 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. જ્યારે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ પણ કર્યો નહોતો, એવું પણ જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. જેગુઆર કારનો રિપોર્ટ તથ્યની ગુનાહિત માનસિકતા, એટલે કે કારને અકસ્માત સુધીના સમયની કારની સ્થિતિ જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે, જે આ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.
તથ્યએ અકસ્માત કર્યો એ પહેલાં ઇસ્કોન બ્રિજની આસપાસ શું થયું?
શેલા તરફના રસ્તેથી એક થાર ગાડી રાત્રે 12:35 વાગ્યે એસજી હાઈવે પર ચડી હતી. આ ગાડી ગાંધીનગર તરફ જઈ રહી હતી. કર્ણાવતી ક્લબ પાસે જ્યારે આ ગાડી પહોંચી એ સમયે બીજી એક થાર પણ એની પાસપાસ દોડવા લાગી હતી. ફુલ ઝડપે જ્યારે આ બે ગાડી આગળ વધી ત્યારે એમાંની એક ગાડી ઇસ્કોન બ્રિજ પર જઈ રહેલા ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ 20થી 25 લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું. આ જ સમયે કર્ણાવતી ક્લબ તરફથી તથ્ય અને તેના મિત્રો જેગુઆર કાર લઈને અંદાજિત 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યા અને થારની આસપાસ ઊભેલા લોકોને ફંગોળી નાખ્યા હતા.