હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ધારાસભ્યોને અધિક ગ્રાન્ટની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે.
ગુજરાતમાં દરેક મહિલા ધારાસભ્યને ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય
ગુજરાતમાં 15 મહિલા ધારાસભ્ય છે, જેમાં દરેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે, મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યનાં મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.
વિકાસનાં કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
લિંબાયતનાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા મહિલા ધારાસભ્યોને ભેટસ્વરૂપે પોતાના વિસ્તારની અંદર વિકાસનાં કામો કરવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. પોતાના વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી હોય, સ્માર્ટ સ્કૂલ હોય, પેવર બ્લોકિંગ હોય કે પછી આરસીસી રોડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે બહેનો માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનાથી પોતાના વિસ્તારમાં ખૂબ અદ્યતન વિકાસનાં કામો કરી શકે.
ગુજરાતમાં 15 મહિલા ધારાસભ્ય
નામ | બેઠક |
સંગીતાબેન પાટીલ | લિંબાયત |
ડો. દર્શિતાબેન શાહ | રાજકોટ પશ્ચિમ |
ભાનુબેન બાબરિયા | રાજકોટ રૂરલ |
ડો.દર્શનાબેન દેશમુખ | નાંદોદ |
ગીતાબા જાડેજા | ગોંડલ |
માલતીબેન મહેશ્વરી | ગાંધીધામ |
મનીષાબેન વકીલ | વડોદરા |
રીવાબા જાડેજા | જામનગર ઉત્તર |
દર્શનાબેન વાઘેલા | અસારવા |
સેજલબેન પંડ્યા | ભાવનગર પૂર્વ |
નિમિષાબેન સુથાર | મોરવાહડફ |
રીટાબેન પટેલ | ગાંધીનગર ઉત્તર |
પાયલબેન કુકરાણી | નરોડા |
કંચનબેન રાદડિયા | ઠક્કરબાપાનગર |
ગેનીબેન ઠાકોર | વાવ |