અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી છે. આ ડીલ 5 હજાર કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, અંબુજા સિમેન્ટ્સ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિ સાંઘી, સાંઘી પરિવારના સભ્યો અને અન્ય પ્રમોટર સંસ્થાઓ પાસેથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 14.66 કરોડના શેર હસ્તગત કરશે, જે કુલ શેરહોલ્ડિંગના 56.74% છે. આ ડીલ બાદ ઈજે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 5%નો વધારો જોવા મળ્યો હતો.
કંપની 26% હિસ્સા માટે ઓપન ઓફર લાવશે
અંબુજા સિમેન્ટ સાંઘી ઇન્ડસ્ટ્રીઝના માઈનોરિટી શેરધારકોને 26% સુધીના હિસ્સા અથવા કંપનીના 6.71 કરોડથી વધુ શેર માટે રૂ. 114.22 પ્રતિ શેરના ભાવે ઓપન ઓફર કરશે.
સાંઘી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 5% તેજી
આ સમાચાર બાદ સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં પણ વધારો થયો છે. સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે 4.98%નો વધારો જોવા મળી રહ્યો છે. આ પછી NSE પર તે 105.40 રૂપિયા પર પહોંચી ગયો છે. આ તેની 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે. આ સિવાય આજે અંબુજા સિમેન્ટના સ્ટોકમાં પણ લગભગ 3%નો વધારો જોવા મળી રહ્યો છે. આ તેજી બાદ તે 474 રૂપિયા પર પહોંચી ગયો છે.
2028 સુધીમાં તેની સિમેન્ટ ક્ષમતા બમણી કરવાનું લક્ષ્ય
અંબુજા સિમેન્ટ અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના આ સોદા અંગે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ સંપાદન સાથે અમે વર્ષ 2028 સુધીમાં અમારી સિમેન્ટ ક્ષમતા બમણી કરીશું. અદાણીના જણાવ્યા અનુસાર, કંપની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં 140 MTPA લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. કંપનીનો હેતુ સાંઘી ઇન્ડસ્ટ્રીઝને દેશની સૌથી ઓછી કિંમતની ક્લિંકર કંપની બનાવવાનો છે.
સાંઘી સિમેન્ટની શરૂઆત 1985માં થઈ હતી
સાંઘી સિમેન્ટ એ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની માલિકીની બ્રાન્ડ છે, જેની શરૂઆત 1985માં થઈ હતી. તેની ગ્રાઇન્ડીંગ ક્ષમતા વાર્ષિક 6.1 મિલિયન મેટ્રિક ટન અને ક્લિંકર ક્ષમતા વાર્ષિક 6.6 મિલિયન મેટ્રિક ટન છે. કંપની પાસે 130 મેગાવોટનો કેપ્ટિવ થર્મલ પાવર પ્લાન્ટ, કેપ્ટિવ માઈન્સ, વોટર ડી-સેલિનેશન ફેસિલિટી અને ગુજરાતના કચ્છમાં કેપ્ટિવ બંદર પણ છે જે 1 MTPA કાર્ગોનું સંચાલન કરે છે.
અંબુજા સિમેન્ટનો ચોખ્ખો નફો 38.51% ઘટ્યો છે
અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટે બુધવારે નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)ના પરિણામો જાહેર કર્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 18.29% વધીને Rs 4729.71 કરોડ થઈ છે. જો કે, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 1048.78 કરોડથી રૂ. 38.51% ઘટીને રૂ. 644.88 કરોડ થયો છે.