નવાં અંજલિભાભીએ કહ્યું, હું અહીંયા નેહા મહેતા બનવા આવી નથી, હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ

0
112

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે અંજલિભાભી તરીકે એક્ટ્રેસ સુનૈના ફોઝદાર જોવા મળે છે. છેલ્લાં 12 વર્ષથી નેહા મહેતા અંજલિભાભીના રોલમાં જોવા મળતી હતી. જોકે, લૉકડાઉન બાદથી ફરીવાર શૂટિંગ શરૂ થયું તો તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુનૈના ફોઝદારને લેવામાં આવી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ આ શો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘હું માનું છું કે દર્શકોને પોઝિટિવ તથા નેગેટિવ ફિડબેક આપવાનો પૂરો હક છે. અમને જે પણ લોકપ્રિયતા મળી તે માત્રને માત્ર દર્શકોને કારણે જ મળી છે. તેથી જ દર્શકોના વખાણની સાથે સાથે તેમના નેગેટિવ ફિડબેક માટે પણ હું તૈયાર છું. મને ખ્યાલ છે કે મારી તુલના થશે, કારણ કે આ શો ઘણો જ લોકપ્રિય છે અને ચાહકોને આ પાત્ર ઘણું જ પસંદ છે.

વધુમાં સુનૈનાએ કહ્યું હતું, ‘હું માનું છું કે દરેકને તક મળવી જોઈએ. હું અહીંયા નેહાજી (એક્ટ્રેસ નેહા મહેતા, જૂનાં અંજલિભાભી) બનવા માટે આવી નથી. હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ. હું મારા ચાહકોને કારણે અહીંયા છું અને હું કોઈની પણ અવગણના કરવાની નથી. કેટલાંક લોકો કહે છે કે મારો અવાજ આવો છે અને બીજી ઘણી વાતો કહી છે. અલગ-અલગ પ્રકારે મારી તુલના થઈ રહી છે. હું માત્ર એટલું જ કહીશ કે હું અહીંયા કોઈનું સ્થાન લેવા આવી નથી. હું અહીંયા મારી પોતાની ઓળખ બનાવવા આવી છું. હું ઈચ્છું છું કે દર્શકો મને તક આપે અને પ્રેમ કરે.’

નેહા મહેતાએ કેમ શો છોડ્યો હતો?
નેહા મેહતાએ કહ્યું હતું, ‘ક્યારેક સેટ પર ગ્રુપીઝમ થાય છે અને કેટલીક બાબતોમાં તમે ચૂપ રહીને જવાબ આપો એ જ સારું છે. હું અહીં એ કહેવા નથી માગતી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ તથા અહંકારની શિકાર બની હતી અને આ બધી બાબતો માણસને અંધ બનાવે છે. મને લાખો લોકો પાસેથી પ્રશંસા મળી છે અને અનેક લોકોએ મારામાંથી પ્રેરણા લીધી છે. મારી જવાબદારી છે કે હું વસ્તુઓને ખોટી રીતે પ્રેરિત કરું નહીં. વધુમાં, જો તમે આ અંગે વધુ જાણવા માગશો તો કોઈપણ એ વાત સ્વીકારશે નહીં કે તેઓ ખોટા છે.’

અહીં એક જ નિયમ ચાલે છે
નેહા મેહતાએ કહ્યું હતું, ‘મેં આ પહેલાં છોડવાની વાત કહી નહોતી. સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, ‘તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.’

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, ‘એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે ‘તારક મેહતા..’એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે ‘તારક મેહતા’માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.’

નેહાની વાત પર અસિત મોદીએ શું કહ્યું હતું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘ચાર મહિના પહેલાં નેહા મેહતાએ અમને લખીને મોકલાવ્યું હતું કે તે પોતાની મરજીથી આ શો છોડે છે. અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેની સાથે વાત કરીને જાણવા માગતા હતા કે એવી કોઈ વાત હોય તો અમે તેની મદદ કરવા તૈયાર હતા. જોકે તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. 10 જુલાઈથી ફરી વાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટ સુધી નેહાએ કોઈ જવાબ આપ્યો નહોતો. પછી જ્યારે અમને વાત કરવાની તક મળી ત્યારે અમે તેની તમામ ચિંતાઓ દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેને શોમાં પરત આવવાનું પણ કહ્યું હતું. જોકે તેણે ત્યાં સુધીમાં આ શો છોડવાનું નક્કી કરી નાખ્યું હતું અને તે આ શોમાં પરત આવવા માગતી નહોતી.’

કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘અમે તેનું તથા તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી હતી. આ વાતમાં કોઈ શંકા નથી કે તેણે આટલાં વર્ષોમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. મારું કામ ટીમને એક તાંતણે બાંધીને રાખવાનું છે. આટલી મોટી ટીમ છે અને આ મારો પરિવાર છે. કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે, પરંતુ હું કંઈ કરી શકું તેમ નથી. શોનું શૂટિંગ શરૂ થયું પછી અમે નેહા મેહતા સાથે વાત કરી હતી અને તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. જોકે તેણે ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે તે આ શોમાં પરત આવવા માગતી નથી. ત્યારે જ અમે અંજલિ મેહતાના રોલ માટે નવા કલાકારની શોધ કરી હતી. બસ, આ જ વાત છે. અમે નવા કલાકારને લીધો અને તે સારું કામ કરે છે. કોઈ કલાકારને લીધા બાદ તેને તે પાત્રમાંથી હટાવી દેવા અથવા તો કાઢી મૂકવા શક્યા નથી.’

નાની-મોટી વાત તો થતી રહે
બંને વચ્ચે થયેલા અણબનાવ પર અસિત મોદીએ કહ્યું હતું, ‘જુઓ, નાની-મોટી વાત તો થતી હોય છે અને આવું કયા પરિવારમાં નથી થતું. આ બધું તો બે ઘડીની વાત છે. અમે બધા ભૂલીને આગળ વધીએ છીએ અને ખુશીથી રહીએ છીએ. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. જો ક્યારેક અણબનાવ હોય તો હું તેમને સમજાવું છું. તેમની સાથે વાત કરું છું. મેં નેહા સાથે પણ વાત કરી હતી, પરંતુ તે શોમાં કામ કરવા તૈયાર નહોતી, આથી હું કંઈ જ કરી શકું તેમ નહોતો.’ ઉલ્લેખનીય છે કે હાલમાં નેહા મેહતાના સ્થાને સુનૈના ફોજદાર અંજલિભાભીનું પાત્ર ભજવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here