કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે સવારે દિલ્હીના આઝાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાકભાજી અને ફળોના વધતા ભાવને લઈને વેપારીઓ સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ પૂછી. આ દરમિયાન તેઓ દુકાનદારોની વચ્ચે ઘેરાઈને વાતચીત કરતા જોવા મળ્યા.
ત્રણ દિવસ પહેલાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક મીડિયા ચેનલનો વીડિયો શેર કર્યો હતો. જેમાં આઝાદપુર મંડીની બહાર એક શાકભાજીના વેપારીઓએ જણાવ્યું કે તે ટામેટાં ખરીદવા આવ્યો હતો જેથી કરીને તેને વેચીને પૈસા કમાઈ શકે. પરંતુ, તેની પાસે ટામેટાં ખરીદી શકે એટલા પૈસા નહોતા.
રાહુલ બે દિવસ પહેલાં જ કેરળથી પરત ફર્યા છે
રાહુલ ગાંધી કેરળના મલપ્પુરમમાં ઘૂંટણના દુખાવાની સારવાર કરાવીને પરત ફર્યા છે. તેઓ અહીંની સો વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં સારવાર લઈ રહ્યા હતા. વૈદ્યશાળાના પી. મદનવનકુટ્ટી વારિયર અને કે. મુરલીધરનની સાથે ડોક્ટરોની ટીમ તેની સંભાળ લઈ રહી હતી. તેઓ 29 જુલાઈ સુધી ત્યાં રહ્યા હતા.
રાહુલ લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઈને તેઓની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છે. નીચે ક્રમિક રીતે વાંચો, તેઓ ક્યારે અને કેટલી વાર લોકો વચ્ચે પહોંચ્યા…
જુલાઈ 7: ખેડૂતો સાથે ખેતરમાં વાવેતર કર્યું
રાહુલે હરિયાણાના સોનીપતમાં ખેડૂતો સાથે ખેતરોમાં ડાંગરનું વાવેતર કર્યું હતું. તેમણે ટ્રેક્ટર ચલાવીને ખેતર પણ ખેડ્યું હતું. આ દરમિયાન ખેડૂતો અને ખેતમજૂરો સાથે ખેતી અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.
22 મે: અંબાલાથી ચંદીગઢ સુધીની 50 કિમી ટ્રકની મુસાફરી
રાહુલ ગાંધીએ અંબાલાથી ચંદીગઢ સુધીનો 50 કિમીનો પ્રવાસ ટ્રકમાં કર્યો હતો. તેઓ બપોરે કારમાં દિલ્હીથી સિમલા જવા નીકળ્યા હતા. પાર્ટી કાર્યકર્તાઓએ જણાવ્યું કે રાહુલે આ દરમિયાન ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી.
જૂન 27: દિલ્હી ગેરેજમાં મિકેનિક્સ સાથે કામ કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના એક ગેરેજમાં પહોંચ્યા અને ત્યાંના મિકેનિક્સ સાથે કામ કર્યું. રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 ફોટો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. એક ફોટોમાં રાહુલ સ્ક્રુ ડ્રાઈવર સાથે બાઇકના સ્ક્રૂને ફિટ કરતા જોવા મળ્યા હતા.
20 એપ્રિલ: રાહુલ દિલ્હીમાં વિદ્યાર્થીઓને મળ્યા, રસ્તાની બાજુમાં ખુરશી પર બેઠા હતા
રાહુલ દિલ્હીના મુખર્જી નગર પહોંચ્યા અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે વિદ્યાર્થીઓને તેમની અપેક્ષાઓ અને અનુભવો વિશે પૂછ્યું હતું.