- અધિકારીએ ભરતી સમયે બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું
- નોકરીમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે અધિકારીને નોટિસ
તત્કાલીન કમિશનર વિજય નહેરાના કાર્યકાળ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોબેશન પર નિમણૂંક પામેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે. ભરતી સમયે બોગસ સર્ટિફિકેટ રજુ કરવાના આરોપસર જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સામે તપાસ સોંપવામાં આવી હતી એ પુરી થતાં અધિકારીને નોકરીમાંથી કેમ બરતરફ ન કરવા એ અંગેની શો-કોઝ નોટિસ આપવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એક વર્ષના અજમાયશી ધોરણે કોર્પોરેશનમાં 23 ઉમેદવારોને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. જેમાં આઠ ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશન બહારથી નિમણૂંક પામ્યા હતા. કેટલાક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક અને તેમને આપેલી સત્તા શરૂઆતથી જ વિવાદમાં રહ્યા હતા. નિમણૂંક બાદ ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવેલાં શૈક્ષણિક લાયકાત, જાતિના પ્રમાણપત્ર વગેરેની તપાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક પામેલા એક અધિકારી દ્વારા જે ડિગ્રી સર્ટીફીકેટ રજુ કરાયુ હતુ એ બોગસ હોવાનું બહાર આવ્યું હતું
કોર્પોરેશન દ્વારા તપાસ કરતા યુનિવર્સિટી એવો કોઈ અભ્યાસક્રમ ચલાવતી ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી અધિકારી સામે તપાસ શરૂ કરાઈ હતી. તપાસ પૂર્ણ થતાં તપાસ અધિકારીએ અંતિમ રીપોર્ટ ઉચ્ચ અધિકારીઓને આપ્યો હતો. બોગસ સર્ટિફિકેટ આપનાર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને શા માટે ફરજ પરથી બરતરફ ન કરવા એ અંગેની નોટિસ અપાતા અપાઈ હતી.
ઉપરાંત વધુ બે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સામે પણ ચાલી રહેલી તપાસ અંતિમ તબક્કામાં છે. એક અધિકારીએ જાતિ અંગે રજુ કરેલા સર્ટીફીકેટની ગાંધીનગર સુધી તપાસ કરાઈ છે. બીજા એક અધિકારીએ સ્નાતક અંગેના રજૂ કરેલા સર્ટીફીકેટનો વિવાદમાં તેમણે મેળવેલો પ્રથમ વર્ગ ગુજરાત યુનિવર્સીટી મુજબ માન્ય ગણાય કે કેમ તેની તપાસ ચાલી રહી છે.આમ આવનારા સમયમાં વધુ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવાની સંભાવના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.