ગુજરાતમાં દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઈ જશે

0
125
  • આરોગ્ય અને શિક્ષણ વિભાગની બેઠક પછી ગાઇડલાઇન્સ નક્કી થશે: ચૂડાસમા

કોવિડ-19ને કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો માર્ચ-2020થી બંધ કરવામાં આવી હતી. છેલ્લા 7 મહિનાથી બંધ કરાયેલી સ્કૂલો ફરીથી ચાલુ કરવા માટે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી પછી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય આરંભ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું હતું કે પ્રથમ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો ચાલુ કરવાની વિચારણા છે, આમ છતાં આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા પછી અંતિમ નિર્ણય લેવાશે.

એક્શન પ્લાન તૈયાર કરાશે
રાજ્ય કેબિનેટની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો ચાલુ કરવાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓએ તેમના અભિપ્રાયો આપ્યા હતા. છેવટે માર્ચ-2020થી બંધ કરાયેલી સ્કૂલો ફરી વખત ચાલુ કરવા માટે કેબિનેટે મંજૂરી આપી હતી. જોકે કોવિડ-19થી હજુ સુધી સંપૂર્ણપણે મુક્તિ મળી ન હોવાથી શાળાઓ ચાલુ કરવા માટે કયા પ્રકારના નિયમો તૈયાર કરવા એનું પહેલા આયોજન કરવાનું નક્કી થયું હતું. આ પ્રમાણે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી સહિત ટોચના અધિકારીઓ સાથે એક બેઠક યોજાશે. આ બેઠકમાં શાળાઓ ચાલુ કરવા માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે, એનો એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ એક્શન પ્લાનના પાલન સાથે શાળાઓ ચાલુ કરાશે, એમ મંત્રી ચૂડાસમાએ જણાવ્યું હતું.

કઈ બાબતો વિશે નિયમો ઘડાશે
શાળાઓ ચાલુ કરતાં પહેલાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન જેવી બાબતોનું તો ફરજિયાત પાલન કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાણી-નાસ્તા બાબતે, બેઠક વ્યવસ્થા, એક રૂમમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો, બાકીના વિદ્યાર્થીઓની વ્યવસ્થા કઇ રીતે કરવી, ઓડ-ઇવન સિસ્ટમ ગોઠવવી કે પછી એક જ દિવસે સવારે-બપોરે એ રીતે વિદ્યાર્થીઓને બોલાવવા આ બાબતે વિચારણા થશે. આવી અનેક બાબતોનું પાલન કઇ રીતે કરવાનું થશે, એની ગાઇડલાઇન્સ આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા પછી તૈયાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here