કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પીવાના પાણીની સુવિધા પહોંચાડવાના હેતુથી નલ સે જલ યોજના અમલી કરવામાં આવી છે અને આ યોજનાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. દરમિયાન રાજકોટમાં નલ સે જલ યોજના ફેઈલ જાય તેવી શકયતાઓ વધી ગઈ છે કારણ કે ખુદ મ્યુનિસિપલ કમિશનરે કરેલા આદેશનો ઈજનેરો દ્વારા ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરના ત્રણ વોર્ડના 18 ઝોનમાં હાલ સુધીમાં ફકત 923 જેટલા ભૂતીયા નળ જોડાણો કાયદેસર કરવામાં આવ્યા છે. જ્યારે પ્રાથમિક અંદાજ એવો છે કે, રાજકોટ શહેરમાં ભૂતીયા નળ જોડાણોની સંખ્યા 20 હજારથી વધુ છે. અગાઉ ભૂતીયા નળ જોડાણોની સંખ્યા 50 હજાર હતી પરંતુ પાંચ કે તેથી વધુ વ્યક્તિના પરિવારને બે નળ જોડાણ આપવાનો નિર્ણય અમલી કરાયા બાદ અનેક ભૂતીયા નળ જોડાણો કાયદેસર થઈ ગયા હતા પરંતુ હાલની સ્થિતિએ તો શહેરમાં અંદાજે 20 હજારથી વધુ ભૂતીયા નળ જોડાણો છે તેમાંથી ફકત 923 નળ જોડાણો નલ સે જલ યોજના અંતર્ગત કાયદેસર થયા છે.
મહાપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સામાકાંઠા વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત કુલ 408 અરજીઓ આવી હતી તે પૈકી 347 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.
જ્યારે સેન્ટ્રલ ઝોન કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મધ્ય રાજકોટ વિસ્તારમાંથી નલ સે જલ યોજના અંતર્ગત કુલ 545 અરજીઓ આવી હતી તેમાંથી 440 અરજીઓ હાલ સુધીમાં મંજૂર કરાઈ છે અને 105 અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે. જ્યારે પશ્ર્ચિમ રાજકોટ વિસ્તારમાંથી કુલ 198 અરજીઓ આવી હતી જેમાંથી હાલ સુધીમાં 136 અરજીઓ મંજૂર કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉપરોકત મુજબ હાલ સુધીમાં ઈસ્ટ ઝોનમાં 347, સેન્ટ્રલ ઝોનમાં 440 અને વેસ્ટ ઝોનમાં 136 સહિત કુલ 923 ભૂતીયા નળ જોડાણો કાયદેસર કરવામાં આવ્યા છે. અલબત્ત ગંભીર વાત એ પણ છે કે, નલ સે જલ યોજના અંતર્ગત નાગરિકો અરજી કરે ત્યારબાદ તે અરજીનો થવો જોઈએ તેટલી ઝડપથી તુરંત નિકાલ પણ થતો નથી તે બાબત તંત્રની બેદરકારી સમાન છે. નલ સે જલ યોજના જાહેર થયાને એક મહિનો થવા આવ્યો છે તેમ છતાં એક મહિનાના સમયગાળામાં પુરા એક હજાર નળ જોડાણો પણ કાયદેસર થયા નથી, એટલું જ નહીં નવા નળ જોડાણો પણ આપવામાં આવ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નલ સે જલ યોજના અંગે શહેરીજનોને પુરતી માહિતી મળી રહે કે પ્રચાર-પ્રસાર થાય તે અંગેની તંત્રએ કોઈ જ દરકાર કરી ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અનેક અરજદારો ભૂતીયા નળ જોડાણ કાયદેસર કરાવવા માટે મહાપાલિકાની મુખ્ય કચેરી અને ઝોનલ કચેરીએ જાય છે ત્યારે ત્યાંથી તેમને તેમના વોર્ડની ઓફિસે જવા રવાના કરાય છે જેના લીધે અરજદારોને ધરમધકકા થઈ રહ્યા છે. વોર્ડ ઓફિસે કામ થતાં હોય તો તે સારી વાત છે પરંતુ કદાચ કોઈ મુખ્ય કચેરી કે ઝોનલ કચેરીએ આવી ચડે તો તેને નલ સે જલ યોજનાનો લાભ ત્યાંથી પણ મળી શકવો જોઈએ પરંતુ તેવું થતું નથી.
રાજકોટમાં બેફામ પાણીચોરી રોકવામાં મનપા સદંતર નિષ્ફળ
રાજકોટ શહેરના ત્રણેય ઝોન અને અઢારેય વોર્ડમાં બેફામ પાણીચોરી થઈ રહી છે. ભૂતીયા નળ જોડાણો અને ઈલેકટ્રીક મેટર વડે ડાયરેકટ પમ્પિંગ કરીને વધુ પાણી ખેંચી લઈ પાણીચોરી કરવામાં આવી રહી છે. તંત્રવાહકો પાણીચોરી રોકવામાં તો નિષ્ફળ રહ્યા છે પરંતુ લોકો પાણીચોરી કરતાં બંધ થાય તે માટે સરકારે અમલી બનાવેલી નલ સે જલ યોજનાને સફળ બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. કોઈપણ વિસ્તારમાં એક વ્યક્તિ ઈલેકટ્રીક મોટર વડે ડાયરેકટ પમ્પિંગ કરીને વધુ પાણી ખેંચી લે તેના લીધે આજુબાજુના 8થી 10 પરિવારોને પુરતું કે પુરતા ફોર્સથી પાણી મળતું નથી. તંત્ર આ વાસ્તવિકતા જાણે છે છતાં નથી તો પાણી ચોરી રોકી શકતું કે નથી તો નલ સે જલ યોજના સફળ બનાવી શકતું !
નલ સે જલ યોજના સફળ બનાવવા મુખ્યમંત્રીએ તાકિદ કરવી પડી !
રાજકોટ શહેરમાં નલ સે જલ યોજના સફળ બનાવવા માટે પ્રયાસો થવા જોઈએ તેમ કહી ખુદ મુખ્યમંત્રીએ પણ ગાંધીનગર ખાતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં તાકિદ કરી હતી. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા અને ત્યાં આગળ રાજકોટના પેન્ડિંગ વિકાસકામો અંગે મુખ્યમંત્રીએ રિવ્યુ લીધો હતો તે સમયે તેમણે નલ સે જલ યોજનાને સફળ બનાવજો તેમ ભારપૂર્વક તાકિદ કરી હતી. મુખ્યમંત્રીએ રિવ્યુ બેઠકમાં એમ પણ જણાવ્યું હતું કે, અત્યંત ગરીબ કે પછાત વિસ્તારો હોય તેવા વિસ્તારોમાં જર પડયે સ્ટેન્ડ પોસ્ટ પણ ઉભા કરજો જેથી લોકો ત્યાંથી પાણી ભરી શકે પરંતુ આજ દિવસ સુધીમાં સ્ટેન્ડ પોસ્ટ અંગેનો સર્વે કરાયો નથી.