આજે રાજકોટમાં પાટીદાર આંદોલનથી લાઇમ લાઈટ માં આવેલા નેતા અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા ની ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથેની બેઠકથી ફરી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
(બ્યુરો રીપોર્ટ- ન્યુઝ અપડેટ્સ મીડિયા)
પાછલા દિવસોમાં ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર નેતાઓની બેઠક બાદ ગુજરાતમાં રાજકીય સ્તરે અનેક તર્ક-વિતર્ક લગાવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા ની નરેશ પટેલ સાથેની બેઠકથી કંઈક નવાજુની થવાની રાજકીય અને બૌદ્ધિક વર્તુળોમાં ચર્ચાય રહ્યું છે.
જોકે બેઠક બાદ અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠક માં મુખ્ય ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેમાં પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો પર થયેલા કેસો અંગે , સમાજના યુવાનોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ અંગે અને સમાજના યુવાનો માટે રોજગારી પ્લેટફોર્મ ઉભું કરવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ચર્ચાયેલા ત્રણ મુદાઓ વિગતે..
પાટીદાર અનામત આંદોલનમાં પટેલ યુવાનો પર થયેલા કેસો
૨૦૧૫માં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો સામે થયેલા કેસો બાબતે રાજ્ય સરકાર સાથે અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ કેસ પરત કરવાની વાત કરવામાં આવી હતી. છતાં આજે પણ કેટલાક યુવાનો પર થયેલા કેસો પરત કરવામાં આવ્યા નથી અને યુવાનો કોર્ટની તારીખો ભરી રહ્યા હોય અને હેરાન થતા હોય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુવાનોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાનું નિરાકરણ
નાના અને મધ્યમવર્ગના પટેલ પરિવારના યુવાનો શિક્ષણમાં થતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ નાં નિરાકરણ માટે શું-શું પગલા લઇ શકાય. સાથે જ શિક્ષણમાં શું ફાયદો થઇ શકે અને શિક્ષણ માટે સંસ્થા શું મદદ કરી શકે એ બાબતે ચર્ચા કરવામાં આવી .
યુવાનો માટે રોજગારીનું પ્લેટફોર્મ
શિક્ષિત પટેલ યુવાનો ને રોજગારી મેળવવામાં થતી સમસ્યાઓનાં નિરાકરણ માટે ખોડલધામ સંસ્થા તરીકે મંચ પૂરું પડે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું.અને સાથે આગમી દિવસોમાં ઉમિયાધામનાં અગ્રણીઓ સાથે પણ આં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે એવું ઉમેર્યું હતું.
બહોળા પ્રમાણમાં મતદારો ધરાવતા પટેલ સમાજના નેતાઓની બેઠકોનાં દોર બાદ ભાજપ,કોંગ્રેસનાં મોટા નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને બેઠકોમાં થતી ચર્ચાઓ પર અનુમાન લગાવી રહ્યા છે. આં વચ્ચે પાછલા દિવસોમાં નરેશ્ભાઈ પટેલનો જુનો વિડીયો પણ વાયરલ થતાં પોલીટીકલ પંડિતો દ્વારા અનેક તર્ક-વિતર્ક લગાવામાં આવી રહ્યા છે.
પાટીદારોની બેઠકો નાં દોર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ ને લઇ પણ રાજકારણ પુરજોશ માં ખીલી ઉઠ્યું છે. હવે આં બેઠકો ગુજરાતના રાજકારણ અને ચુંટણીઓ ની સીઝનમાં વાવાઝોડું સર્જશે કે શું એ તો સમય જ બતાવશે..