News Updates
JUNAGADH

ઠગ કાળાં વસ્ત્રોમાં ‘માતાજી’ બની પ્રગટ થતો:મુસ્લિમ યુવકે કહ્યું- મારા પિતાને સાક્ષાત્ માતાજી આવે છે, 500 કરોડનો વરસાદ કરશે; ઢોંગીએ મોડસ ઓપરેન્ડીથી કરોડો ઠગ્યા

Spread the love

આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. સામાન્ય લોકો તો ઠીક પણ ભણેલા ગણેલા પણ તાંત્રિક વિધિમાં વિશ્વાસ કરે છે. એવો જ એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં બનવા પામ્યો છે. જેમાં એક ઢોંગીએ તાંત્રિક વિધિના નામે છેલ્લા કેટલાય સમયથી મોડસ એપરેન્ડી કરીને કરોડોની છેતરપિંડી આચરી છે. આ ઠગે ગીર સોમનાથ જ નહીં પરંતુ અમદાવાદ, વેરાવળમાં પણ લાખોની ઠગાઈ કરી છે. આ ઠગે નકલી પોલીસથી લઈને નકલી પત્રકાર સુધીના માણસો રાખી તમામ ઘટનાઓને અંજામ આપ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પાણીકોઠા ગામે રહેતો મુસા હાજી સમા જે પોતાને સાક્ષાત્ માતાજી આવતા હોય, તેમજ તાંત્રિક વિધિ કરી પૈસાનો ઢગલો કરવાનો ઢોંગ કરી લોકો પાસેથી રોકડ રકમ તેમજ સોનું પડાવી છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર લોકો પાખંડી તાંત્રિકના નકલી ખોપરી, મદારી, ઝેર વગરનો સાપ, નકલી પ્રેસ, બનાવટી પોલીસની રેડ વગેરે જેવાં ઢોંગી કરતૂતો કરી લોકોમાં પોલીસનો ડર ફેલાવી ફરિયાદ ન થાય તેવું વાતાવરણ ઊભો કરતો હતો. જોકે ભોગ બનનાર હરકિશન મગનપુરી ગોસ્વામી (રહે. રાજકોટ)એ તાલાલા પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જિલ્લા એેલસીબીએ આ ઢોંગી તાંત્રિકનાં કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. આ તાંત્રિકની મોડસ ઓપરેન્ડી ફિલ્મને પણ ટક્કર મારે એવી છે. 

પાંચસો કરોડનો ઢગલો કરી દેશે તેવા વિશ્વાસમાં લીધા
સમગ્ર ઘટનાની વિગત એવી રીતે છે કે, ફરિયાદી હરકીશન આશરે બે વર્ષ પહેલા રાજકોટ પુસ્કર ધામ પાસે ચા પીવા બેઠો હતો. ત્યારે પોતે સાધુ બાવાના ભગવા જેવા વસ્ત્રો પહેરેલા હતા. ત્યારે અલ્તાફ પણ ત્યાં હાજર હતો. જ્યાં અલ્તાફે બાપુને ભગવા વસ્ત્રોમાં જોઇ બાપુને પુછ્યું કે, શું તમે આશ્રમ ચલાવો છો? બાપુએ જવાબ આપ્યો કે હું આશ્રમ ચલાવી શકું એટલા મારી પાસે પૈસા નથી. જેથી અલ્તાફે કહ્યું કે, તમે પૈસાની ચિંતા ન કરો. તાલાલા તાલુકાના પાણીકોઠા ગામે મુસાબાપુ (અલ્તાફનો પિતા)ને સાક્ષાત માતાજી આવે છે. પાંચસો કરોડ રૂપિયાના પૈસાનો ઢગલો કરી દેશે તેવી વાતો કરી બાપુને વિશ્વાસમાં લીધા હતા અને બાપુની ફોર વ્હીલ કારમાં બેસીને પાણીકોઠા ગામે મુસાબાપુના ઘરે ગયા હતા.

મુસાબાપુએ પુજા વિધિ ચાલુ કરી…

વાડીએ પહોંચી મુસાબાપુ જોડે ઓળખાણ કરાવી હતી અને કહ્યું હતું કે, આમને આશ્રમ બનાવવું છે પણ પૈસા નથી એટલે મુસાબાપુએ કહ્યું કે, તમે ચિંતા ના કરશો મને સાક્ષાત્ માતાજી આવે છે અને પૈસાનો વરસાદ કરી દઈશ પણ એના માટે એક વિધિ કરવી પડશે. જ્યાં હરકિશન વિશ્વાસમાં આવી જતા તેઓ વિધિ માટે તૈયાર થઈ ગયા હતા. મુસાબાપુની વાડીએ જ આ વિધિ કરવાની હતી. સાંજ પડતા અંધારૂ થતા આંબાના ઝાડ પાછળ ગોળ કુંડાળુ કરી તેમા હરકીશનને બેસાડી મુસાબાપુએ પુજા વિધિ ચાલુ કરી હતી. જ્યા હરકીશનના કપડા કાઢી તેના ઉપર કાળું કપડું ઢાંક્યું. ત્યારબાદ નાળિયેર જમીન પર પછાડ્યું ત્યાંજ અચાનક એક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલી વ્યક્તિ પ્રગટ થઈ જે માતાજી છે તેવું કહ્યું.

માતાજી પ્રસન્ન થઈને અંધારામાં અલોપ થઇ ગયા
માતાજીને મુસાબાપુએ વિનંતી કરી કે, માતાજી આ ભેખ ધારી માણસને પૈસાની જરૂરત છે. તમે કૃપા કરો એટલું કહેતા માતાજી અંધારામાં અલોપ થઇ ગયા હતા. પછી મુસાબાપુએ કહ્યું કે, માતાજીને પ્રસન્ન કરવા માટે કામરૂપ દેશ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવવું પડશે. જેની કિંમત સાડા પાંચ લાખ છે. પૈસાની સગવડ થાય એટલે ફોન કરજો તેવું કહ્યું હતું. બાદમાં ફરિયાદીને ફોન કરી મુસાબાપુએ કહેલું કે, ચાર દીવસ માટે પૈસા વ્યાજે લઇ લો, પછી હું તમને પૈસાનો ઢગલો કરીને આપીશ તેમાંથી જેમની પાસેથી પૈસા લીધા તેમને ચુકવી આપજો. ફરિયાદી આ ઢોંગીની વાતમાં આવી ગયો હતો.

વિધિ માટે તેલ મંગાવવા 5.50 લાખ ઢોંગીને આપ્યા
ત્યારબાદ ફરિયાદીની બહેન લંડન ખાતે રહેતી હોવાથી તેની પાસેથી રૂ. 4 લાખ ટ્રાન્સફરથી મેળવ્યા હતા. તેમજ રૂ. 1 લાખ સગા મામાની દીકરી પાસેથી અને પચાસ હજાર પોતાની પાસેથી મેળવી બધા ભેગા કરી મુસાબાપુને આપ્યા હતા. સાથે પોતાના મામાની દીકરી નીતાબેનને પાણીકોઠા ગામે લઇ ગયેલો અને ત્યાં કોઇ ભગવા કપડા પહેરેલો માણસ તેલની શીશી આપી ગયો હતો. આ તેલમાંથી પહેલા જ્યાં વિધિ કરી હતી એજ જગ્યાએ આંબાના ઝાડ પાછળ દીવો કરી મંત્રો બોલી મુસાએ વિધિ ચાલુ કરી. તેવામાં નીતાબેન ડરી જતા ત્યાંથી બહાર જતા રહ્યા હતા. બાદમાં ફરીવાર માતાજીરૂપે કાળા કપડામાં ઠગ પ્રગટ થયો અને કહ્યું, તમારૂ કામ થઇ જશે. અત્યારે ધર્માદાના પૈસા આપુ છું, આશ્રમના પૈસા પછી આપીશ તેમ કહી માતાજીરૂપે આવોલો ઠગ અંધારામાં અદ્રશ્ય થઇ ગયો હતો.

ફરિયાદીએ રૂમમાં જોયું તો પૈસાનો ઢગલો દેખાયો
બાદમાં ત્યા નજીકમાં આવેલા મુસાબાપુના રૂમમાં હરકિશન પાસે રૂમની તલાસી લેવડાવી હતી. રૂમ ખાલી હોવાનું જણાવી, પાણીની ખાલી ટાંકી અંદર રાખી મુસાબાપુએ કપડા કાઢી બારણું બંધ કરી દીધું હતું. વિધિ કરી રૂમમાં છુપી રીતે બનાવેલા ભોયરાના ખાનામાંથી ફરિયાદીના જ રૂપિયા સાડા પાંચ લાખ તથા બીજા પાંચસો અને બસો રૂપિયાની ખોટી નોટોનો ઢગલો ટાંકીમાં વચ્ચે ઠાલવી ટાંકી પૈસાથી ભરી દીધી હતી. ત્યારબાદ રૂમ ખોલી ફરિયાદીને બતાવી કહ્યું, આ પૈસા ધર્માદાના છે, આશ્રમના પૈસા આવીજ રીતે ઘરે વિધિ કરી પૈસાનો ઢગલો કરી આપશું તેમ કહ્યું હતું. વધેલા તેલની શીશી ચુંદડીમાં રાખી અને બે દીવસ પછી ઘરે ખોલવાનું કહી દીવો કરજો અને ફોન કરવાનું કહી ફરિયાદીને ત્યાંથી રવાના કર્યો હતો.

ફરી માતાજી પ્રગટ થયા અને કુવારી કન્યાની ખોપરી ચડાવવાનું કહ્યું
બાદમાં હરકિશને મુસાબાપાને ફોન કરી ઘરે વીંધી માટે આવવાનું કહેતા મુસાએ શીશીમાં તેલ છે કે કેમ, તે ચેક કરવાનું કહ્યું હતું, પરંતુ શીશી ખાલી હતી, કેમ કે મુસાએ અગાઉની વિધિમાં પોતે જ ભરેલી શીશી બદલી ખાલી શીશી ચુંદડીમાં બાંધીને આપી હતી. જેથી કોઇ પ્રેત આત્મા રસ્તામાં તેલ પી ગઈ હશે તેવું મુસાએ ફરિયાદીને કહ્યું હતું. બીજું તેલ મંગાવુ પડશે તેના વગર વિધિ નહીં થાય અને તેના બીજા સાડા પાંચ લાખ આપવા પડશે. તેમ કહેતા ફરિયાદીએ પોતાના સેવક પાસેથી સાડા પાંચ લાખ લઇ મુસાબાપુને આપ્યા અને અગાઉ આવેલો ભગવાધારી માણસ જ તેલની શીશી ફરી આપી ગયો હતો. જુની જગ્યાએ જઇ વિધિ કરતા માતાજી ફરી એજ રીતે પ્રગટ થયા અને કહ્યું, મારી માટે કલીફુલ (કુંવારી કન્યાની ખોપરી) ચડાવો તેમ કહી અલોપ થઇ ગયા હતા. બાદમાં આ કલીફુલના બીજા સાડા ત્રણ લાખ થશે અને તમારૂ કામ હવે છેલ્લા સ્ટેજનું જ બાકી છે, તેવું કહી પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.

કલીફુલ પર પાણી છાંટી ભડકો કર્યો
બાદમાં ફરિયાદીએ પચાસ હજાર ગુગલપેથી અલ્તાફના ખાતામાં ટ્રાન્સફર કરી અને રૂ. 3 લાખ સેવકો, મિત્રો પાસેથી ભેગા કરી ફરી પાછા મુસાબાપુની જગ્યાએ ગયા હતા. ત્યાં અગાઉ આવેલા ભગવાધારી માણસ કાળા કપડામાં કલીફુલ (કુંવારી કન્યાની પ્લાસ્ટીકની નકલી ખોપરી) વિંટાળી સાથે આવ્યા હતા અને ત્યાંથી જંગલના રસ્તે કલીફુલ પર પાણી છાંટી ભડકો કરી કલીફુલ બરોબર હોલવાણી હોવાનું કહી ગાડીમાં બેસી રાજકોટ તરફ ફરિયાદીના ઘરે વિધિ કરવા માટે રવાના થયા હતા.

પોલીસનો પ્રજા જોગ સંદેશ
આ ઢોંગી તાંત્રિક વિધિમાં ભોગબનનાર વ્યક્તિઓ ભણેલા ગણેલા હોવા છતાં આબરૂ જવાની બીકે તેમજ અન્ય આભાસી ડરના કારણે પોલીસનો સંપર્ક કરતા નથી અને આવા ઢોંગી તાંત્રિકના ચુંગાલમાં ફસાઇ જતા હોય છે. કોઇપણ જાતના ડર વગર આવા ઢોંગી તાંત્રિકના ભોગબનનાર તમામ લોકો પોલીસને સમાયસર જાણ કરે તેવી અપિલ કરી હતી.

આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ
મુસા હાજી સમા આજથી બે વર્ષ પહેલા તાલાલા પોલીસમાં મારામારીના કેસમાં પકડાયો હતો. અલ્તાફ હાજી સમા આજથી બે વર્ષ પહેલા તાલાલા પોલીસમાં મારામારીના કેસમાં પકડાયો હતો. અબ્દુલ ઉર્ફે વકીલ હેદર બ્લોચ વિરૂદ્ધ તાલાલા મારામારી, નેગોસીયેબલ મુજબ ચેક રીર્ટન સહિતના ગુના નોંધાયેલા છે. દીપક ત્રીભુવન ચૌહાણ, નજીર નાશીરબાપુ રફાઇ સામે વિસાવદર તેમજ માળીયા પોલીસમાં પ્રોહીબીશનનો કેસ નોંધાયેલો છે. અબ્દુલ ઇસ્માઇલ મજગુલ વિરૂદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુના નોંધાયેલા છે. જગદીશ વલ્લભદાસ તીલાવટ વિરૂદ્ધ તાલાલામાં મારામારીનો બનાવ બનેલો છે. ઇમ્તીયાઝ મુસાભાઇ સમા બે વર્ષ પહેલા તાલાલા પોલીસમાં મારામારીના કેસમાં પકડાયેલો છે. સંકદરશા મોતીશા શામદાર વિરૂદ્ધ મેંદરડા તેમજ જૂનાગઢમાં મારામારી તેમજ નેગોસીયેબલ મુજબ ચેક રીર્ટન, ચોરીનો કેસ નોંધાયેલો છે.

ઢોંગી એના સાગરીતો સાથે ઝડપાયો
ગીરસોમનાથ જિલ્લા LCBના પો.ઇન્સ. એ.એસ. ચાવડાના માર્ગદર્શન મુજબ PSI ડી.કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ASI નરેન્દ્ર કોટ, લાલજી બામણીયા, સરમણ સોલંકી સહિતની ટીમ સંયુક્ત બાતમી આધારે મુસા હાજી સમા, અલ્તાફ મુસા સમા, અબ્દુલ ઉર્ફે વકીલ હદર બ્લોચ, અબ્દુલ ઇસ્માઇલ મજગુલ, ઇમ્તીયાઝ ઉર્ફે યુસુફ મુસા સમા, જગદીશ વલ્લભદાસ તીલાવટ, દીપક ત્રીભુવન ચૌહાણ, વજેસીંગ ઉર્ફે કાળુ ઓધડ ઝાલા આ તમામ રહે તા. તાલાલા અને સીકંદર મોતીશા શામદાર રહે તા. વેરાવળ, નજીમ નાશીરબાપુ રફાઇ રહે તા.જી. જૂનાગઢ વાળાઓને ઝડપી પાડ્યા હતા.

આ કેસમાં 19.9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
જેમની પાસેથી રોકડ રકમ રૂ. 6 લાખ 46 હજાર 300, સોનાના દાગીના અંદાજે 21 તોલા કિં.રૂ. 11 લાખ 56 હજાર 244, તાંત્રિક વિધિમાં વાપરેલા સાધનો વસ્તુઓ કિં.રૂ. 1680 તેમજ મોબાઇલ નંગ 2 કિં.રૂ. 1 લાખ 5 હજાર આમ કુલ કિ.રૂ. 19 લાખ 9 હજાર 244ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. તેમજ આ સીવાય સોની વિશાલ વગર બીલ સોનાના નાગ સ્વીકારી તેને બીલ વાળા સોનાના અન્ય દાગીનામાં ફેરબદલી કરનાર તેમજ સસ્તા ભાવે સોનાના નાગ લઇ રોકડ રકમ આપેલા હમીર ભરવાડ રહે. રાજકોટ, યાસીન સેરૂખ બ્લોચ રહે. મંડોરણા તેમજ દલા રહે. રાજકોટવાળાઓને પકડી પાડવા તપાસ હાથ ઘરેલી છે.


Spread the love

Related posts

બાટવાના પાજોદ ગામ પાસે બેફામ કારે બાઇક સવાર 3 યુવકોને ફંગોળ્યા, ત્રણેય મિત્રના મોત

Team News Updates

ગિરનાર રોપ વે બંધ રખાયો:અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા રોપે- વે બંધ, પ્રવાસીઓ હેરાન પરેશાન

Team News Updates

અકસ્માતની ઘટના CCTVમાં કેદ:જૂનાગઢના કેશોદમાં એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળી, મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત

Team News Updates