જામનગર જિલ્લામાં દુકાનો ચોવીસ કલાક ખૂલ્લી રાખી શકાશેઃ અનલોક-૪

0
201

કોરોના મહામારીના સંદર્ભમાં જિલ્લા કલેકટરનું જાહેરનામુંઃ
હોટલ-રેસ્ટોરન્ટને રાત્રે ૧૧ વાગ્યા સુધીની છૂટ

જામનગર તા. ૩ઃ તા. ૩૦મી ઓગસ્ટે અનલોક-૩ ની અવધિ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે અને રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલ અનલોક-૪ અંગે વિવિધ માર્ગદર્શિકા – જોગવાઈ જાહેર કરવામાં આવી છે.

સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે જામનગર જિલ્લા કલેક્ટરે જામનગર વિસ્તારમાં અનલોક-૪ ની છૂટછાટો અને અન્ય જોગવાઈઓ દર્શાવતું જાહેરનામું જારી કર્યુ છે.

જામનગર જિલ્લામાં જાહેર થયેલ કન્ટેન્ટમેન્ટ ઝોન/માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહી શકશે.

સમગ્ર જામનગર જિલ્લામાં નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે

તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક અને કોચીંગ સંસ્થાઓ તા. ૩૦-૯-ર૦ર૦ સુધી બંધ રહેશે. પરંતુ ઓનલાઈન તથા ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખી શકાશે. તા. ર૧-૯-ર૦ર૦ થી રાજયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ૦ ટકા શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ ટેલી કાઉન્સેલીંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તા. ર૧-૯-ર૦ર૦ થી આરોગ્ય અને પરિવાર કલયાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર એસઓપી અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધોરણ-૯ થી ૧ર માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત પૂર્વમંજૂરી મેળવી શાળાએ જઈ શકશે. સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેઈનીંગ સંસ્થાઓ તા. ર૧-૯-ર૦ર૦ થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર એસઓપી અનુસાર શરૃ કરી શકાશે. ટેકનિકલ અને પ્રોફેશ્નલ પ્રોગ્રામ ફોર પીએચ.ડી. અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ કે જેમાં લેબ અથવા પ્રયોગાત્મક કાર્યો જરૃરી હોય તે અંગે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રહ મંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે તે મુજબ અનુસરવાનું રહેશે.

સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા તા. ર૧-૯-ર૦ર૦ થી ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ, થર્મલ સ્કેનીંગ અને સેનીટાઈઝર કરવાની સુવિધા સાથે આપવામાં આવે છે. પરંતુ લગ્ન સમારોહમાં પચાસ વ્યક્તિ જ્યારે અંતિમક્રીયા/અંતિમવિધિ માટે વીસ વ્યક્તિઓની મર્યાદામાં તા. ર૦-૯-ર૦ર૦ સુધી યથાવત રહેશે. તમામ સિનેમા હોલ્સ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર તથા તે પ્રકારની જગ્યાઓ બંધ રાખવાની રહેશે.

કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ નિર્ધારીત નિયંત્રણો સાથે કરી શકાશે

તમામ હોટલ તેમજ રેસ્ટોરન્ટ ર૩ઃ૦૦ કલાક સુધી તા. ૮-૬-ર૦ર૦ થી અમલમાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ ચાલુ રહી શકશે. ટેક-અવેય ફેસિલિટી માટે કોઈ સમયમર્યાદા લાગુ પડશે નહીં. તમામ શોપીંગ મોલ્સ તા. ૮-૬-ર૦ર૦ થી અમલમાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ ચાલુ રહી શકશે. તમામ દુકાનો કોઈપણ પ્રકારની સમય મર્યાદા વિના ચાલુ રહી શકશે. તમામ પાર્ક તથા જાહેર બગીચાઓ ચાલુ રહી શકશે. તમામ ધાર્મિક સ્થળો સામાજિક અંતર જાળવવાની શરતે તા. ૮-૬-ર૦ર૦ થી અમલમાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ ચાલુ રહી શકશે. પરંતુ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઈપણ પ્રકારના કાર્યક્રમો/મેળાવડા ઉપર પ્રતિબંધ રહેશે.

શહેરી વિસ્તારમાં સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ નક્કીક રવામાં આવેલ સ્થળોએ ફેરીયાઓ વેંચાણ કરી શકશે. સ્થાનિક સત્તામંડળોએ ફેરીયાઓ/સાપ્તાહિક બજાર માટે સ્થળો નિશ્ચિત કરવાના રહેશે. તેમજ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર, કેન્દ્ર સરકાર / ગુજરાત સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું નિયંત્રણ રાખવાનું રહેશે.

૬૦ ટકા કેપેસિટી સાથે લાયબ્રેરી ચાલુ રહી શકાશે. ગુજરાત રાજય પરીવહનની બસો રાજય સરકારશ્રીની સૂચના અનુસાર કાર્યરત રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ૬૦ ટકા કેપેસિટી સાથે સિટી બસ સર્વિસ ચાલુ રહી શકશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ૬૦ ટકા બેઠક વ્યવસ્થા સાથે ખાનગી બસ સર્વિસ ચાલુ રહી શકશે. પરંતુ બસની અંદર કોઈપણ વ્યક્તિને ઉભા રાખી શકશે નહીં. ઓટો રિક્ષામાં એક ડ્રાઈવરી તથા ર (બે) મુસાફર સાથે પરીવહન કરી શકશે.

કેબ્સ, ટેકસીસ, કેબ એગ્રીગ્રેટર્સ તેમજ ખાનગી કાર એક ડ્રાઈવર તથા ર (બે) મુસાફર સાથે પરીવહન કરી શકશે. બેઠક ક્ષમતા ૬ (છ) કે તેથી વધુ હોય તેવા વાહનમાં એક ડ્રાઈવર તથા ૩ (ત્રણ) મુસાફર સાથે પરીવહન કરી શકશે. ટુ-વ્હીલરમાં ૧-૧ વ્યક્તિ અવરજવર કરી શકશે. પ્રાઈવેટ ઓફિસો સામાજિક અંતર જાળવવાની શરતે કાર્યરત થઈ શકશે. તેમજ શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પ્રથાને પ્રોત્સાહન આપવાનું રહેશે.

માલસામાન તેમજ વ્યક્તિઓના રાજય અને આંતર રાજ્યમાં અવરજવર ઉપર કોઈ પ્રતિબંધ રહેશે નહી. આ માટે કોઈ અલાયદી મંજૂરી મેળવવાની જરૃરિયાત રહેશે નહીં. જાહેરમાં થૂંકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાકવા બદલ રાજય સરકારના હુકમોનું ભંગ કરનાર વ્યક્તિ રૃા. ૧૦૦૦ ના દંડને પાત્ર રહેશે. આ દંડ જે-તે સ્થાનિક સત્તામંડળના અધિકારીઓએ વસુલવાનો રહેશે.

આ જાહેરનામું સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે અને આ જાહેરનામું તા. ૧-૯-ર૦ર૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

અપવાદ

આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલા જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં. આ ઉપરાંત ભારત સરકારના ગૃહમંત્રાલયના નં. ૪૦-૩/ર૦ર૦ ડીએમ-આઈ (એ) તા. ર૯-૮-ર૦ર૦ હુકમથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ. ભારત સરકાર દ્વારા કે અત્રેથી મુક્તિ આપેલ હોય કે હવે પછી મુક્તિ આપવામાં આવે તેમને લાગુ પડશે નહીં.

આ જાહેરનામામાં આપવામાં આવેલ છૂટછાટ સંબંધમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ર૯-૮-ર૦ર૦ કે ત્યાર પછીની અંગ્રેજી ગાઈડલાઈનનું અર્થઘટન માન્ય રહેશે તેમજ કોવિડ-૧૯ વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શીકા એનેક્ષર-૧ (સામેલ છે) મુજબ સંબંધિત તમામે અમલવારી કરવાની રહેશે.

અહેવાલ:- સાગર સંધાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here