નરોડા વિસ્તારમાં પતિ પત્ની અને પ્રેમિકાનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીને છોડી પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો અને પ્રેમિકાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ સમયે પણ પત્નીએ મોટુ મન રાખીને પતિને બચાવવા મેદાને આવી હતી. પતિને મુક્ત કરાવી પત્ની તેને ઘરે પરત લાવી હતી. પરંતુ ત્યાર બાદ પતિ ફરીથી આ જ યુવતી સાથે ભાગી જતા પત્ની પર જાણે આભ તૂટી પડયુ છે.
નરોડાનાં સ્વામીનારાયણ પાર્કમાં રહેતા પ્રફુલ્લ દેવદાસ મોદી (ઉ.૩૩) સાથે સોનલ ઉર્ફે સોનિયાએ ૨૦૦૬માં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના પતિ, સાસુ અજુબેન, સસરા દેવદાસ અને નણંદ રોશની સાથે રહેતી હતી. પ્રફુલ્લ બાઇક રિપેરિંગનું કામકાજ કરતો હતો. લગ્નજીવન દરમિયાન જૈનમ(ઉ.૧૨) નામનો દીકરો થયો હતો.
અગાઉ પ્રફુલની સગાઈ પુજા નામની યુવતી સાથે નક્કી થઇ હતી પરંતુ સગાઇ કરી ન હતી. ત્યાર બાદ સોનલ સાથે લગ્ન થયા હતા આમછત્તા પ્રફુલ પુજા સાથે સંપર્કમાં હતો. અંતે ૨૦૧૭માં પુજા સાથે પ્રફુલ ભાગી ગયો હતો. તેમજ ૧૮ દિવસે પરત આવ્યા બાદ પુજાએ પ્રફુલ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી.
આ સમયે પત્ની સોનલે અને પ્રફુલના માતા-પિતાએ મળી પ્રફુલના જામીન કરાવ્યા હતા. એકાદ વર્ષમાં દુષ્કર્મની ફરિયાદમાં સમાધાન થયુ હતું. જો કે ઘરે આવેલા પતિએ પત્નીનો આભાર માનવાને બદલે તેના પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધુ હતુ.બાદમાં ફરી ૨૦૧૮માં પ્રફુલ પુજા સાથે ભાગી ગયો હતો. એટલુ જ નહીં આ બંને મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા હતા.
બીજી બાજુ સાસરીયાઓએ પણ સોનલને ઘર ખાલી કરી દેવા માટે શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. આખરે કંટાળીને સોનલે પોતાના સાસુ, સસરા, પતિ અને નણંદ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોધાવી છે. સોનેલ પોલીસ સામે કરગરી હતી કે, તેમને ન્યાય અપાવો અને પતિના લીવ ઇન કરારને અમાન્ય કરી આપો.પોલીસે આ અંગે સોનલને કઈ રીતે મદદ મળી શકે તેના કાયદાકીય વિકલ્પો વિચારવાના શરૂ કર્યા છે.