સરહદે તનાવ ઘટાડવા ભારત-ચીનની સહમતી, વિદેશ પ્રધાનોની બેઠકમાં પાંચ મુદ્દાની ફોર્મ્યુલા ઘડાઇ

0
132

ચીને કહ્યું કે અમારે હવે તનાવ વધારવો નથી

રશિયાના પાટનગર મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની મળેલી બેઠકમાં બંને દેશો વચ્ચે એવી સમજૂતી સધાઇ હતી કે સરહદપર હવે તનાવ વધારવો નહીં.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરૂવારે રાત્રે એક બેઠક યોજાઇ હતી જેમાં બંને દેશોએ તનાવ ઘટાડવા પાંચ મુદ્દાની એક ફોર્મ્યુલા તૈયાર કરી હતી. ભારતના વિેદેશ પ્રધાન જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર તનાવ વધારવા માગતું નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ચીન પ્રત્યેની ભારતની નીતિમાં કે ભારત પ્રત્યેની ચીનની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી.

ચીનના વિદેશ ખાતાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતેા કે ભારત અને ચીન પાડોશી છે અને કેટલાક મુદ્દે અસંમતિ પણ છે જે પાડોશીઓ વચ્ચે સ્વાભાવિક ગણાય. દરેક અસંમતિને ચોક્કસ સંદર્ભમાં જોવી જોઇએ. બંને દેશોએ પાંચ મુદ્દાની સમજૂતી તૈયાર કરી હતી. એ પાંચ મુદ્દાનો સાર કંઇક આ પ્રકારનો હતો. 1) પરસ્પરના મતભેદો યુદ્ધમાં ન પરિણમવા જોઇએ, 2) બંને દેશોના લશ્કરે વિવાદાસ્પદ સ્થળેથી પોતપોતાના સ્થાને પાછાં ફરી જવું, 3) બંને દેશોએ નક્કી કર્યા મુજબ વાટાઘાટો ચાલુ રાખવી, 4) હાલ જે સમજૂતીઓ છે તે અને પ્રોટોકોલ્સને બંને દેશોએ સ્વીકારવા અને 5) તનાવ વધે એવું એક પણ પગલું બંનેમાંથી કોઇ દેશ નહીં ભરે.

બંને દેશોના વિદેશ પ્રધાનોની આ બેઠક બે કલાક લાંબી ચાલી હતી. મોસ્કોના કોંગ્રેસ પાર્ક વિસ્તારમાં આવેલી વોલકોંસ્કી હૉટલમાં ગુરૂવારે મોસ્કો સમય મુજબ રાત્રે આઠ વાગ્યે બેઠક યોજાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here