News Updates
RAJKOT

RMCનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું બજેટ:રાજકોટને મળશે 3 સ્માર્ટ અને 12 નવી આંગણવાડી; 175 નવી ઈલેક્ટ્રીક અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત

Spread the love

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. 31/01/2024ના રોજ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું છે. હાલમાં પ્રતિદિન 1 રૂ. લેવામાં આવે છે જે વધારી 2 રૂ. લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

સ્પોર્ટ્સ એમિનિટિસ

  • નવા ભળેલા માધાપર વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ 150 લાખના ખર્ચે ડેવલોપ કરવામાં આવશે.
  • વોર્ડ નંબર 17માં 680 લાખના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ ડેવલોપ કરવામાં આવશે.
  • આધુનિક યોગા સ્ટુડિયો બનાવવા માટે 111 લાખની જોગવાઈ કરવામાં આવી.

3 સ્માર્ટ અને 12 નવી આંગણવાડી બનાવવાનું આયોજન

  • વોર્ડ નંબર 7, 10 અને 15માં 30 લાખના ખર્ચે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે.
  • આગામી વર્ષમાં નવી 12 આંગણવાડી બનાવવામાં આવશે.
  • વોર્ડ નંબર 3 માં 8, અને વોર્ડ નંબર 13, 7, 18 અને 5 માં એક એક આંગણવાડી બનાવવામાં આવશે.

નવા વર્ષમાં થનાર કામગીરી

ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને વધુને વધુ સુસજ્જ રાખવા આગામી નાણાંકીય વર્ષમાં પણ જુદા-જુદા વાહનો અને સાધનો ખરીદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂ.260 લાખના ખર્ચે 4 મીની ફાયર ટેન્ડરની ખરીદી, રૂ. 50 લાખના ખર્ચે આપાતકાલીન સમયે કોમ્યુનીકેશન માટે વાયર લેસ સિસ્ટમની ખરીદી કરવામાં આવનાર છે.

ફાયર & ઇમરજન્સી સર્વિસ

નવા ભળેલા વિસ્તારોની સુવિધા માટે નવુ ફાયર સ્ટેશન: હયાત બે ફાયર સ્ટેશનનું રિડેવલપમેન્ટ

રાજકોટનાં વોર્ડ નં.7 માં સેન્ટ્રલ ઝોનની કચેરી બિલ્ડીંગમાં કનક રોડ સાઇડ ફાયર સ્ટેશનવાળું જૂનું બિલ્ડીંગ દૂર કરી નવું અદ્યતન સુવિધાવાળુ ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર, પાર્કિંગ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વર્ષ 2023-24માં આયોજન કરવામાં આવેલું છે. જે અન્વયે ટેમ્પરરી- ફાયર સ્ટેશન ઢેબર રોડ પર નાગરિક બેંક સામેના પ્લોટમાં શિફ્ટ કરવામાં આવનાર છે. ત્યાર બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.6 બેડીપરામાં પણ હયાત ફાયર સ્ટેશન રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે.

ફાયર સ્ટેશનનું આયોજન
વધુમાં, નવા ભળેલા વિસ્તારોને ધ્યાને લેતા વોર્ડ નં.11માં કાલાવડ રોડ ઇસ્કોન મંદિર સામે પણ રૂ.500 લાખના ખર્ચે અદ્યતન સુવિધા વાળા ફાયર સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

રસ્તે રઝળતા ઢોરને લઇ આયોજન

  • ઢોર પકડ પાર્ટીના વાહનોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે.
  • સ્ટાફને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે.
  • 3 નવી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે.

ઉપરોક્ત એનિમલ હોસ્ટેલ ઉપરાંત મોટામવા એનિમલ હોસ્ટેલની બાંધકામ કામગીરી ચાલુ છે. તથા વધુ કોઠારીયા, રૈયાધાર અને સોખડા ખાતે જગ્યા મેળવી વધુ 2500 પશુઓ માટે એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. જે માટે 2024-25માં રૂ.350 લાખની જોગવાઈ રાખવામાં આવેલી છે. હાલ ચાર એનિમલ હોસ્ટેલમાં 1895 ઢોર રાખવામાં આવેલા છે.

રાજકોટ મહાનગરપાલિકાની મિલકતોની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરા મુકવામાં આવશે 

રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી મિલકતની સુરક્ષા અને શહેરનાં મુખ્ય રસ્તાઓ પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓનું મોનીટરીંગ થઈ શકે તે હેતુથી શહેરમાં જુદા જુદા સ્થળો પર 750થી વધારે સી.સી.ટી.વી. કેમેરા અંદાજીત રૂ.25 કરોડના ખર્ચે ઈન્સ્ટોલ કરવામાં આવશે.

ક્યાં ક્યાં સીસીટીવી લગાવવામાં આવશે

  • રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ 104 અનામત પ્લોટને આવરી લેવામાં આવેલ છે.
  • શહેરનાં મુખ્ય 127 રાજમાર્ગો પૈકી 106 લોકેશનનો સમાવેશ કરવામાં આવેલ છે.
  • રામવન અર્બન ફોરેસ્ટ.
  • રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફીસ.
  • રાજકોટના કોમ્યુનિટી હોલ.
  • ટ્રાફિક નિયમન માટે 10 સ્થળો પર ANPR/RLVD કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.

સિનિયર સીટીઝન, બગીચા, તેમજ બાલ ક્રીડાંગણ બનાવવા આયોજન

વૃક્ષારોપણ માટે અલગ અલગ વિસ્તારમાં 5.50 લાખ વૃક્ષોનું વાવેતર રૂપિયા 500 લાખના ખર્ચે કરવામાં આવશે. અલગ અલગ 9 વિસ્તારોમાં રૂપિયા 500 લાખના ખર્ચે સિનિયર સીટીઝન પાર્ક, બગીચા, તેમજ બાલ ક્રીડાંગણ બનાવવા આયોજન કરાયું છે.

એશિયાટીક લાયન સફારી પાર્ક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ 2024-25 દરમિયાન આશરે રૂ.33 કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક વિકસાવવાનું આયોજન છે. જેમાં નીચે મુજબના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનારા છે.

  • ઝૂની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અંદાજે 30 હેક્ટરથી વધુ જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હી પાસેથી મંજુરી મળેલી છે.
  • વર્ષ 2024-25 દરમિયાન લાયન સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના નીતિ નિયમ મુજબ પ્રથમ 2.75 મીટર ઉંચાઇની કમ્પાઉન્ડ દિવાલ તથા 5 મીટર ઉંચાઇની ચેઇનલીંક જાળીની દિવાલ, જી.એસ.આર. બાંધકામ, વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન, સફારી પાર્કમાં પ્રવેશ માટે “Two way Gate” બનાવવામાં આવશે.
  • સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર બનાવવામાં આવશે તથા પાણીનાં પોન્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત સફારી પાર્કની અંદર વોચ ટાવર તથા જુદા-જુદા ઇન્ટરનલ રોડ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રાણીઓ ખુલ્લામાં પ્રદર્શીત કરવામાં આવશે. ત્યારે મુલાકાતીઓને ખાસ પ્રકારના વાહનમાં બેસાડી સફર કરાવવામાં આવશે.

શિક્ષણ લક્ષી જાહેરાત 

રાજકોટ શહેરના ઇસ્ટ ઝોનના ભગવતીપરા વિસ્તારમાં આધુનિક મોડલ હાઇસ્કૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને સ્કૂલની સુવિધા વધુ સારી રીતે મળી રહે તે હેતુથી વોર્ડ નં.7 માં રાષ્ટ્રીય શાળા સામે શાળા નં.11 મહાત્મા ગાંધી સ્કૂલનું જૂનું બિલ્ડીંગ દૂર કરી અદ્યતન સુવિધા સાથે નવું સ્કૂલ બિલ્ડીંગ બનાવવાના આયોજન માટે રૂ.160 લાખની જોગવાઇ કરવામાં આવેલી છે.

શહીદ પાર્ક બનાવવામાં આવશે

રાજકોટ શહેરના સ્માર્ટસિટી એરીયામાં ગુજરાતના દેશભક્તો અને શહીદોને સમર્પિત એક શહીદ પાર્ક બનાવવાથી શહેરીજનો તથા ખાસ કરીને વિદ્યાર્થી બાળકોને ઇતિહાસ વિશે માહિતગાર કરી શકાશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરપૂર્વક ભાવાંજલી આપી શકાશે. આ ઉપરાંત તેમાં ગુજરાતના નાયકોની વસ્તુઓ અને ઇતિહાસ દર્શાવતું ગેલેરી અથવા સંગ્રહાલય, શહીદોની દીવાલ સાથે સ્મારક હોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક એમ્ફિથિયેટર, વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે અંદાજીત રૂ.500 લાખનો ખર્ચ અપેક્ષિત છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આજી રિવરફ્રન્ટનો ઉલ્લેખ બજેટમાં કરાયો

આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ 11.50 કિ.મી લંબાઈમાં કામ કરવાનું નક્કી થયેલું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટની ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં કામે સરકાર દ્વારા પ્રથમ ફેઇઝની અંદાજીત કુલ રૂ.187 કરોડની દરખાસ્તની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં રામનાથ મંદિરનો જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવશે. તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન ગંદા પાણીથી મહાદેવને અભિષેક થતો અટકાવવા ઘાટનું નિર્માણ હાથ ધરવામાં આવેલું છે. તથા રામનાથ મહાદેવ મંદિરની ઉત્તર અને દક્ષિણ બન્ને તરફ 500 મી. મળી કુલ 1.1 કિ.મી. લંબાઈમાં આ કામને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ડેવલપ કરવામા આવશે.

ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન બનાવવાની જાહેરાત

મોટામવા ખાતે ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન 2275 લાખના ખર્ચે બનાવવામાં આવશે. મુંજકા ખાતે ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન 1519 લાખના ખર્ચે બનાવવામાં આવશે. માધાપર ખાતે ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન 1265.65 લાખના ખર્ચે બનાવવામાં આવશે.

ચાલુ વર્ષે બ્રિજ માટે બજેટમાં 92.45 કરોડની જોગવાઇ કરવામાં આવી

રાજકોટમાં ગત વર્ષે કુલ 5 બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે સાંઢિયા પુલ ખાતે ઓવરબ્રિજ અને પીડીએમ ફાટક ખાતે અન્ડરબ્રિજ બનાવવા ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી. સરકારની મંજૂરી મળે ત્યારે કામગીરી શરૂ કરવામાં આવશે. કટારીયા ચોક અને રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતે બ્રિજ બનાવવા માટે ટ્રાફિક સર્વે અને પ્રિફિઝીબિલીટી રિપોર્ટ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે બ્રિજ માટે મનપા દ્વારા બજેટમાં 92.45 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વાહન વેરામાં કોઈ વધારો નહિ 

ચાલુ વર્ષમાં આજીવન વાહન વેરો એડવોલેરમ પદ્ધતિ મુજબ રૂ. 99 હજાર 999 સુધીની કિંમતના વાહનમાં 1.5% મુજબ તથા રૂ.1 લાખથી રૂ.7.99 લાખ સુધીની કિંમતના વાહનમાં 2.5% મુજબ તથા 8 લાખથી વધુ કિંમતના વાહનમાં 3% મુજબ અંદાજીત આવકનો લક્ષ્યાંક રૂ.28 કરોડ હતો. આજ સુધીમાં રૂ.23.15 કરોડ જેટલી વસુલાત થઈ ગઇ છે. આ વર્ષના અંતે રૂ.28 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે આગામી વર્ષમાં વાહનવેરાની આવક રૂ.30 કરોડ થવાની સંભાવના છે.

મકાન વેરામાં કોઈ વધારો નહિ

વર્ષ 2018થી શરૂ કરવામાં કાર્પેટ એરીયા આધારીત પધ્ધત્તિના અમલ કરતી વખતે કન્ઝર્વન્સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડેનેજ ટેક્ષ અને દિવાબત્તી ટેક્ષ રદ કરવામાં આવેલ છે. માત્ર સામાન્ય કર રહેણાંક માટે રૂ.11 પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.25 પ્રતિ ચો.મી રાખવામાં આવેલ છે. આગામી વર્ષ 2024-25 માટે પણ મકાન વેરાના દર રૂ.11 પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.25 પ્રતિ ચો.મી. યથાવત રાખવામાં આવેલ છે.

રૂ.8 કરોડના ખર્ચે ડેપો બનાવવાનું આયોજન

પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રાજકોટ શહેરને 100 ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે. આ 100 બસ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. 83 ઉપર અંદાજીત રૂ.16 કરોડના ખર્ચે ઈ- બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલું છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 100 CNG બસની વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. તેમજ આ 100 બસ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલી ફાઈનલ પ્લોટ નં.83 ઉપર અંદાજીત રૂ.8 કરોડના ખર્ચે ડેપો બનાવવાનું આયોજન કરેલું છે.

175 નવી ઇલેક્ટ્રિક બસ અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત

રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આજે 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. વોટર મેનેજમેન્ટ માટે વોટર ઓપરેશન અને મેઇન્ટેનન્સ સેલ, જળ સંચય સેલ, નવા પાણીના સ્ત્રોત શોધવા, જનભાગીદારીથી જળ સંવર્ધન પર કામ કરવામાં આવશે. જ્યારે પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 175 નવી ઇલેક્ટ્રિક બસ અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.

વોટર ચાર્જમાં વાર્ષિક વધારો

વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરાયું છે. રાજકોટના ડ્રાફ્ટ બજેટમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.

ગાર્બેજ કલેક્શનમાં વધારો

ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું. હાલમાં પ્રતિદિન 1 રૂ. લેવામાં આવે છે. જે વધારી 2 રૂ. લેવા ઉલ્લેખ કરાયો છે.

ગત વર્ષે 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું

રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાણકીય વર્ષ 2023-24 નું બજેટ જાહેર કરાયું હતું. વર્ષ 2023-24 નું 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. વાર્ષિક પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા કરવામાં આવ્યો હતો.

શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો હતો

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2023-24 નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2637.80 કરોડનું બજેટ મંજુર કરવમાં આવ્યું હતું. મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો હતો. જેમાં પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આજના બજેટમાં ખાસ કોઈ મોટી નવી જાહેરાત કરવામાં આવી નથી.

રહેણાંક મકાનોમાં વાર્ષિક પાણીવેરો 840થી વધારીને 1500 કરવા જાહેર કર્યું હતું

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2022-23નું રીવાઈઝ અને 2023-24નું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાશકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. મનપા કમિશનર દ્વારા 100 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો. જેમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો હતો. જેમાં રાજકોટની જનતા પર પાણી વેરો ત્રણ ગણો નહિ પણ ડબલ કરવા શાસકોએ નિર્ણય કરી રહેણાંક મકાનોમાં વાર્ષિક પાણીવેરો 840થી વધારીને 1500 કરવા જાહેર કર્યું હતું.

સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું

બીજી તરફ મિલકત વેરામાં કોઈ વધારો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યો ન હતો. જ્યારે ડોર ટુ ગાર્બેજ કલેક્શનમાં રહેણાંક ઉપયોગમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, પરંતુ વ્યાપાર ઉપયોગી ગાર્બેજ કલેક્શનમાં કમિશનર દ્વારા સૂચવેલ વધારો માન્ય રાખી 730થી વધારી બમણો કરી 1460 રૂપિયા મંજુર કરવામાં આવ્યો હતો. આ સાથે સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 રૂપિયા વસૂલવા મંજુર કર્યું હતું.

શાસકો દ્વારા 39.37 કરોડના કરબોજ વાળું બજેટ રજુ કરાયું હતું

રાજકોટ મનપાના બજેટમા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે 10 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે મોટામવા સ્મશાન નજીક પાર્કિંગ વ્યવસ્થા માટે 6 કરોડના ખર્ચે પાર્કિંગ સુવિધા તૈયાર કરવામાં આવ્યા. આમ ડ્રાફ્ટ બજેટના અભ્યાસ બાદ આજે રાજકોટ મહાનગર પાલિકાના નાણાકીય વર્ષ 2023-24નું 2637.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં શાસકો દ્વારા 39.37 કરોડના કરબોજ વાળું બજેટ રજુ કરાયું હતું.

રાજકોટ મનપાના બજેટમાં શાસકોએ કુલ 39.25 કરોડના ખર્ચે ઉમેરેલી નવી 15 યોજના કઈ કઈ હતી

  • રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં ઓવરબ્રિજ- 10 કરોડ
  • મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગ વ્યવસ્થા- 6 કરોડ
  • ઉપલા કાંઠે વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ- 1.50 કરોડ
  • રાજકોટ દર્શન સિટી બસ- 1 કરોડ
  • ડસ્ટ ફ્રી રોડ- 5 કરોડ
  • યુનિફોર્મ આઇડેન્ટીટી માટે- 2 કરોડ
  • ઝોન ઓફિસોમાં હેલ્પ ડેસ્ક- 50 લાખ
  • સ્માર્ટ સ્કુલ- 76 લાખ
  • પ્રાથમિક શાળાઓમાં કલરકામ- 5 કરોડ
  • ઝોન દીઠ એક બોક્સ ટેનિસ ક્રિકેટ- 1.50 કરોડ
  • શહેરના કોઇ એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ- 5 કરોડ
  • કાઉન્સિલર્સ મોનિટરિંગ એપ- 50 લાખ
  • મેન્ટેનન્સ એકસપેન્સીસ મોનિટરિંગ સિસ્ટમ- 50 લાખ
  • તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફત પ્રવેશ
  • રામનવમીએ રામવનમાં બાળકો અને વૃધ્ધોને નિઃશુલ્ક પ્રવેશ

Spread the love

Related posts

અન્નત્યાગ: હવે સમાધાન જોઇતું જ નથી,રાજકોટમાં પદ્મિનીબા વાળાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી કહ્યું- હું મારા સમાજ સાથે છું

Team News Updates

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates

ધોરાજીમાં સ્કૂલ રીક્ષાચાલકે 13 વર્ષીય બાળકીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની પિતાની ફરિયાદ

Team News Updates