તલાટી, કોમ્પ્યૂટર ઓપરેટરની હડતાળમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા, મગફળીનું રજિસ્ટ્રેશન ન કરતા VCEને છૂટા કરવા આદેશ

0
130
  • તલાટી અને VCEએ એકબીજાને હડતાળમાં ટેકો આપતા કામ ઠપ

રાજકોટ જિલ્લામાં 400 જેટલા તલાટીઓ હડતાળમાં જોડાયા છે. આજે હડતાળનો બીજો દિવસ છે. તલાટી, મંત્રીઓ અને કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળને પગલે 594 ગામડાં પર એની અસર થઈ રહી છે. કોમ્પ્યુટર ઓપરેટરની માંગ છે કે યોગ્ય પગાર આપવામાં આવે. તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરની હડતાળના પગલે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જો કે મગફળીનું રજિસ્ટ્રેશન ન કરતા VCEને છૂટા કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

તલાટીઓએ પણ રજિસ્ટ્રેશનનું કામ બંધ કરી વીસીઈને ટેકો જાહેર કર્યો હતો
પહેલા VCEની હડતાળ પડી અને હવે તલાટીઓએ હડતાળ પાડી છે. બંનેએ એકબીજાની હડતાળને ટેકો આપતા એક હડતાળ સમેટાઈ છતાં કામ શરૂ થયું નથી, જેને કારણે ખેડૂતો પિસાયા છે અને પોતાના ગામથી યાર્ડ સુધી રજિસ્ટ્રેશન માટે ધક્કો થઈ રહ્યો છે. મહત્વનું છે કે ગામડાના કમ્પ્યૂટર ઓપરેટર (વીસીઈ) પગાર અને કમિશનના મુદ્દે મગફળીનું રજિસ્ટ્રેશન શરૂ થયું ત્યારથી જ હડતાળ પર ઉતરી ગયા હતા. જેને કારણે તલાટીઓને જે તે ગામમાં રજિસ્ટ્રેશનનું કામ સોંપાયું હતું. તેવામાં તલાટીઓએ પણ રજિસ્ટ્રેશનનું કામ બંધ કરી વીસીઈને ટેકો જાહેર કર્યો હતો જેથી ખેડૂતોને યાર્ડે ધક્કા થયા હતા. શનિવારે હડતાળ સમેટાઈ હતી અને કામ શરૂ થયું હતું ત્યાં રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગેરૈયાની જ્યાં નિમણૂક છે તે લાપાસરી અને લોઠડામાં રજિસ્ટ્રેશન ન થતું હોવાનું પ્રાંત અધિકારીએ નિવેદન લીધું હતું. જે મામલે મંડળે હડતાળ પાડી છે આ મામલે મંડળના પ્રમુખને નોટિસ અપાઈ છે. વીસીઈના મંડળે તલાટીઓને ટેકો આપ્યો છે જેથી ફરી કામગીરી અટકી છે. આ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલે બધા ટીડીઓને આદેશ કર્યો છે કે જે પણ વીસીઈ કામ નથી કરતા તેમને છૂટા કરવામાં આવે અને નવી ભરતી થાય.

નોટિસ પાછી ખેંચાય તો જ હડતાળ સમેટાશે
તલાટીઓ પર ઓનલાઈન રજિસ્ટ્રેશનનું દબાણ કરાયું છે અને મારી સાથે અધિકારીઓએ ગેરવર્તન કર્યું હતું તેથી હડતાળ પાડી હતી. હડતાળ પાડવા મામલે નોટિસ પણ આપવામાં આવી છે. આ નોટિસ પાછી ખેંચાય અથવા તો કામગીરી બાબતે કોઇ કાર્યવાહી ન કરવાની ખાતરી અપાય તો જ હડતાળ પાછી ખેંચાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here