હનીટ્રેપમાં ફસાયેલો મોરબીનો યુવક રાજકોટમાં લૂંટાયો

0
138
પૂર્વ પ્રેમિકાએ પતિ સાથે કાવતરું રચી યુવકને રાજકોટ બોલાવી 2 લાખની માંગણી કરી 22 હજાર પડાવ્યા : બાકીના રૂપિયા માટે ધમકીઓ મળતા યુવકે પોલીસમાં કરી ફરિયાદ

મોરબી : મોરબીમાં રહેતો એક યુવક રાજકોટ સ્થિત પૂર્વ પ્રેમિકાને મળવા જતા હનીટ્રેપમાં ફસાઈ અને ૨૨ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે વધુ રૂપિયાની ઉઘરાણી શરૂ થતા મોરબીના યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટના એક દંપતી સહિત 5 સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રવાપર રોડ પર ખાણી-પીણીનો વ્યવસાય ધરાવતા યુવકને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોકમાં આવેલી રામેશ્વર સોસાયટી શેરી નંબર 3માં રહેતી અલ્પા નામની પરણીતા સાથે અગાઉ 4 વર્ષથી સંબંધો હતા. છેલ્લા ચારેક માસથી આ સંબંધો ઉપર કોઈ કારણોસર પૂર્ણવિરામ મુકાયું હતું. જો કે ચાર દિવસ પહેલા ગત તારીખ 4 ઓક્ટોબરના રોજ રાત્રે દસેક વાગ્યે અલ્પાનો મોરબીના યુવક પર ફોન આવ્યો હતો કે મારો પતિ આશિષ કોઈ કામસર બહાર ગયો હોય તું મને મળવા માટે મારા ઘેર આવી જજે. આ સાથે જ મોરબીનો યુવક કાર લઈને અલ્પાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરતા જ અગાઉથી ગોઠવાયેલા કાવતરા મુજબ અલ્પાનો પતિ આશિષ અને તેનો અન્ય મિત્ર આવી આવી પહોંચ્યા હતા અને છેડતીનો આરોપ મૂકીને મોરબીના યુવકને માર મારવા લાગ્યા હતા.

આ દરમિયાન અન્ય બે યુવકો પોલીસનો સ્વાંગ રચીને આવી ચડયા હતા અને પોલીસ કેસ કરવાના કરવાની ધમકી આપી પતાવટ કરવા માટે રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી. જોકે થોડી રકઝકના અંતે રૂ. બે લાખમાં મામલો પતાવવાનું નક્કી થયું હતું. અલબત્ત જે તે સમયે યુવક પાસે 25000 રૂપિયા હોય તેમાંથી 22 હજાર રૂપિયા દંપતી સહિતના ત્રણ શખ્સોએ પડાવી લીધા હતા અને બાકીના રૂપિયા 10 તારીખ સુધીમાં પહોંચાડવાનું નક્કી થયું હતું. હનીટ્રેપમાં ફસાયેલા યુવકને બાકીના નાણા માટે ધમકીભર્યા ફોન આવવાના શરૂ થતા ડરના માર્યા તેમના નજીકના પરિચિતોને આ અંગે વાત કરી હતી. તેઓએ પોલીસમાં ફરિયાદ કરવાની હિંમત આપતા અંતે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પી.આઈ એ એસ ચાવડા, પીએસઆઇ એ.બી. જાડેજાએ દંપતી સહિત અન્ય ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી ઉપરોક્ત આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here