જામનગરમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ઘર બેઠા આરોગ્ય સેવાઓ પહોંચાડતા મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓ

0
108

દર્દીઓને મળી રહી છે આરોગ્યની સંતોષકારક સુવિધાઓ

જામનગર હાલ જામનગર ખાતે વધી રહેલા કોરોના સંક્રમણ સામે  લોકોના સાજા થવાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વળી મહત્તમ દર્દીઓ હાલ માઈલ્ડ અથવા એસિમ્ટોમેટીક જણાતા હોમ આઈસોલેશનનો વધારે સ્વીકાર કરી રહ્યા છે. જામનગરમાં હાલ સુધીમાં ૬૦૦થી વધુ દર્દીઓએ હોમ આઈસોલેશનની સેવાઓ પ્રાપ્ય કરી છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને પણ ઘરબેઠા રોજિંદા આરોગ્ય ચકાસણી કરી દવા અને જો આવશ્યક જણાય તો વધુ સારવાર હેતુ તાત્કાલિક હોસ્પિટલ રિફર કરી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા શહેર વિસ્તારના  હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રોજિંદા તેમના ઘરે જઈ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.

દર્દીઓને ઘરે બેઠા આરોગ્યની સંતોષકારક સુવિધાઓ પ્રાપ્ય કરાવવામાં આવી રહી છે.  જામનગર ગોકુલનગર વિસ્તારના રહીશ રામભાઇ ઓડેદરાનો  ૯ સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની વધુ ચકાસણી કરવામાં આવી હતી. માઇલ્ડ સિમ્ટ્મ્સ જણાતા તેઓ હોમ આઈસોલેટ થયાં હતા. રામભાઇ કહે છે કે, આ દિવસો દરમ્યાન મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મારી સઘન સારવાર કરવામાં આવી. ડોક્ટર તલસાણીયા અને તેમની ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. દવા અને સારવારલક્ષી સતત સારૂં માર્ગદર્શન મળવાથી હાલ હવે રિપોર્ટ કરાતા મારો રિપોર્ટ નેગેટિવ આવેલ છે. આ સંપૂર્ણ સમય દરમ્યાન આરોગ્ય શાખા દ્વારા મને ખૂબ સારી સારવાર આપવામાં આવી છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, સરકાર તરફથી પણ આટલી સારી સારવાર અને સારો રિસ્પોન્સ મળી શકે છે, ત્યારે જામનગરના અન્ય નાગરિકોને પણ એટલું જ કહેવાનું કે ખોટી અફવાઓમાં ભરમાવુ જોઇએ નહીં, કોઇ ડર રાખવો જોઈએ નહીં. સરકારની ગાઈડ લાઈનને લોકોએ અનુસરવી જોઈએ.સરકાર દ્વારા લોકોને ખૂબ મદદ કરવામાં આવી રહી છે. આરોગ્ય શાખા દ્વારા સતત લોકોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે આપણે પણ જો કોઈપણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય તો તરત જ આરોગ્ય શાખાનો સંપર્ક કરી તુરત સારવાર મેળવવી જોઈએ અને આ સંક્રમણને ફેલાતા રોકવા માટે સરકારના પ્રયત્નોને મદદ કરવી જોઇએ.

તો હોમ આઈસોલેશનમાં રહેલા આશાબેન નકુમ કહે છે કે, મને કોરોના પોઝિટિવ આવતા હું હોમ આઇસોલેટ થઈ હતી. આ દિવસો દરમ્યાન દરરોજ સવારે ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવતું હતું અને આ ઉપરાંત પણ કોઈપણ તકલીફ જણાય તો ડોક્ટર દ્વારા ફોન પર પણ તાત્કાલિક જવાબ આપી કન્સલ્ટેશન આપવામાં આવતું હતું. આવશ્યક દવાઓ પણ પણ તાત્કાલિક રૂબરૂ આપવામાં આવતી હતી. આ ઉપરાંત હેલ્પલાઇન દ્વારા દિવસમાં બેથી ત્રણ વખત હેલ્પલાઇન દ્વારા આરોગ્ય વિશે ફોન કોલ કરી સતત ફોલોઅપ લેવામાં આવતું હતું. આ સાથે જ ઘણીવાર તકલીફ થતાં ફોન કરીને પૃચ્છા કરતા તો તે માટે પણ સંતોષકારક જવાબ ડોકટર દ્વારા આપવામાં આવતા હતા. આરોગ્ય શાખા દ્વારા આ દરમિયાન અમને ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો છે.

હોમ આઇસોલેશનમાં રહેલ અનેક દર્દીઓનું જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને સતત ચકાસણી અને હેલ્પલાઇન દ્વારા પણ ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. ત્યારે સાજા થયેલા દર્દીઓ આ સેવાઓ સામે સંતોષ દર્શાવી અન્ય લોકોને પણ ડરથી દુર રહી અને ટેસ્ટ કરાવી કોરોનાથી મુક્ત થવા માટે અપીલ કરી રહયા છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here