યુવાનોએ જગતસુખ શિખર સફળતાપૂર્વક સર કરીને 16,600 ફૂટ ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો.
- ખરેખરમાં આ 39 યુવાનની ટીમ હિમાચલ પ્રદેશમાં સ્થિત માઉન્ટ ફ્રેંડશિપ શિખર સર કરવા ગઈ હતી
- જોકે વડાપ્રધાનના રોહતાંગ ટનલના ઉદઘાટન કાર્યક્રમને લીધે માઉન્ટ ફ્રેંડશિપ શિખરની મંજૂરી રદ થઈ હતી
- આ 39 ગુજરાતીની ટીમમાં કેટલાક અમદાવાદના યંગસ્ટરો પણ સામેલ છે
ગુજરાતીઓને ફરવાના ખૂબ જ શોખીન ગણવામાં આવે છે. હરવું-ફરવું અને ખાવું એ ગુજરાતીઓના લોહીમાં છે, પરંતુ આ કપરા કોરોનાકાળમાં પણ જ્યારે કોઈ સાહસિક પ્રવૃત્તિનું કામ આવે ત્યારે પણ ગુજરાતીઓ પાછા પડે તેવા નથી. આવું જ એક સાહસભર્યું કામ ઇન્વિન્સિબલ એનજીઓના યુવાનોએ હિમાચલ પ્રદેશમાં સ્થિત 16,600 ફૂટની ઊંચાઈએ આવેલો જગતસુખ શિખર આજે સફળતાપૂર્વક સર કર્યો છે.
ખરેખરમાંં ટીમ માઉન્ટ ફ્રેંડશિપ શિખર સર કરવા ગઈ હતી
કોરોનાની મહામારીના સમયમાં ફરીથી સરકારની માર્ગદર્શિકા પ્રમાણે પર્યટન શરૂ થઈ રહ્યું છે. વિશ્વ પ્રવાસન દિવસના અવસરે, ઇન્વિન્સિબલ એનજીઓની સ્પોન્સર્શિપ થકી 39 યુવાનની ટીમ હિમાચલ પ્રદેશમાં સ્થિત માઉન્ટ ફ્રેંડશિપ શિખર સર કરવા ગઈ હતી, પરંતુ 3 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનાલીમાં આવેલી રોહતાંગ ટનલનું ઉદઘાટન કરવાના છે અને ફ્રેંડશિપ શિખર જવા માટે રોહતાંગ પાસેની સોલાંગ વેલીમાં થઈને જવું પડે છે, વડાપ્રધાનના આ કાર્યક્રમને લીધે આ શિખર સર કરવાની મંજૂરી રદ થઈ હતી છતાં પણ આ પર્વતારોહીઓએ હાર ન માની, જગતસુખ શિખર સર કરવાનું નક્કી કર્યું અને એની મંજૂરી મેળવ્યા બાદ તેઓ નીકળી પડ્યા જગતસુખ શિખર તરફ…

કોરોના મહામારી જેવા સમયમાં માઉન્ટેનિયરિંગ પર્વતારોહી માટે એક પડકાર કહેવાય.
ટીમે 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરના રોજ 16,600 ફૂટ પર ત્રિરંગો લહેરાવ્યો
આ ટીમની સાથે ગંગોત્રી-3 કે જેની ઊંચાઈ 21,578 ફૂટ જેટલી છે, એને સર કરી ચૂકેલા પહેલા ગુજરાતી અને માઉન્ટેનિયરિંગમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર તેમજ એક પર્વતારોહી તરીકે ગુજરાતમાં પોતાની એક આગવી છાપ ઊભી કરનાર, ઇન્વિન્સિબલ એનજીઓના ફાઉન્ડર તેમજ ચીફ ઇન્સ્ટ્રક્ટર ઋષિરાજ મોરી આ ટીમને લીડ કરી રહ્યા છે. ટીમને એક અનુભવી પર્વતારોહી અને લીડર તરીકે ઋષિરાજનો સાથ મળતાં આ ટીમે 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરના રોજ 16600 ફૂટ પર ત્રિરંગો લહેરાવ્યો.
ગ્લોબલ વોર્મિંગ તેમજ પ્રદૂષણને લીધે હિમાલયમાં ગ્લેસિયર પીગળી રહ્યા છે
39 લોકોની આ ટીમ કોરોનામાં સલામતીને ધ્યાનમાં રાખી ટીમને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હતી. 18 લોકોની ટીમે 3 ઓક્ટોબરની વહેલી સવારે 7 વાગે, જ્યારે બીજી ટીમે 4 ઓક્ટોબરની વહેલી સવારે 16,600 ફૂટ પર આવેેલો જગતસુખ શિખર પર ત્રિરંગો લહેરાવ્યો, સાથે જ હિમાલયના પીગળી રહેલા ગ્લેસિયરનું જતન કરવાનો ઉદ્દેશ પણ આપ્યો છે. હિમાલયના ગ્લેસિયર ત્રીજા ધ્રુવ જેવા છે અને એ ગ્લોબલ વોર્મિંગ તેમજ પ્રદૂષણને લીધે પીગળી રહ્યા છે, જેનું જતન કરવું હવે ખૂબ જરૂરી બની ગયું છે. આ ઉદ્દેશથી એક્સપેડિશનની થીમ “Let the third Pole breathe” રાખવામાં આવી છે.

મંજૂરી મેળવ્યા બાદ બે ટીમ બનાવીને નીકળી પડ્યા જગતસુખ શિખર તરફ.
અમદાવાદ શહેર માટે ખૂબ જ ગર્વની વાત
આ એક્સપેડિશનની તૈયારીઓ પર્વતારોહીઓએ ત્રણ મહિના પહેલાં જ શરૂ કરી દીધી હતી. કોરોનાને કારણે હોમ વર્કઆઉટ કરી, આ ટીમના દરેક સભ્ય પોતાને એક્સપેડિશન માટે તૈયાર કરી રહ્યા હતા. આ પર્વતારોહીઓએ મનાલીમાં આવેલો 16,600 ફૂટ ઊંચો જગતસુખ શિખર આજે સફળતાપૂર્વક સર કર્યો છે. આ યુવાનોએ શિખર સફળતાપૂર્વક સર કરીને 16,600 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો. આ અમદાવાદ શહેર માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. આ શિખરને સર કરવું એ કોઈપણ પર્વતારોહી માટે ખૂબ જ મોટી સફળતા ગણાય અને કોરોના મહામારી જેવા સમયમાં માઉન્ટેનિયરિંગ પર્વતારોહી માટે એક પડકાર કહેવાય છે.

માઉન્ટ ફ્રેંડશિપ શિખર કેન્સલ થયા બાદ જગતસુખ શિખર સર કરવાનું નક્કી કર્યું.
કોણ છે ઇન્વિન્સિબલ એનજીઓ?
ઇન્વિન્સિબલ એનજીઓ ભારતની સૌથી મોટી ટ્રેકિંગ કેમ્પ આયોજન કરતી સંસ્થા બની ચૂકી છે, જેમાં ફક્ત વર્ષ 2019માં જ 29,000થી પણ વધારે યુવાનો વિવિધ જગ્યાએ ટ્રેકિંગ અને એડવેન્ચર કેમ્પમાં ભાગ લઇ ચૂક્યા છે. ઇન્વિન્સિબલ એનજીઓ દર વર્ષે વિવિધ ટ્રેકિંગ તેમજ એડવેન્ચર કેમ્પનું આયોજન કરતી હોય છે, જે વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા નોન-પ્રોફિટ બેઝ પર ચલાવવામાં આવે છે. 2013થી લઈને અત્યારસુધીમાં 84,000થી પણ વધુ યુવાનોએ વિવિધ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધેલો છે. આ સંસ્થા યુથ એમ્પાવરમેન્ટ માટે કામ કરે છે, જેમાં ટ્રેકિંગ કેમ્પ સિવાય બીજી ઘણીબધી એક્ટિવિટી સ્કૂલ અને કોલેજોમાં પણ ચાલે છે. ઇન્વિન્સિબલ એનજીઓના ફાઉન્ડર તેમજ ચીફ ઇન્સ્ટ્રક્ટર ઋષિરાજ મોરીનું કહેવું છે કે અમે હવે કોરોનાકાળમાં અનલોકની સાથે હવે ફરીથી પોતાના કેમ્પો શરૂ કરી રહ્યા છે. આ કેમ્પ અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પર્યટનને ફરીથી જીવતું કરવાં માટે આ એક ઉત્તમ પ્રયાસ છે.
