અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસોમાં અચાનક વધારો થયો છે પૂર્વ વિસ્તારના વટવા, ઇસનપુર, લાંભા, જશોદાનગર, રામોલ, અસારવા અને ઓઢવ સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસો નોંધાયા છે. કોલેરાના વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, ચાલુ મહિનામાં કોલેરાના અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. તેના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓને જ્યાં પણ કેસો વધ્યા છે. ત્યાં ત્વરિત કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
શહેરમાં રોગચાળો વકર્યો
શહેરમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. માત્ર 12 દિવસમાં ઝાડા ઉલટીના 481 કેસો, ટાઇફોઇડના 313 અને ડેન્ગ્યુના 243 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 76 કેસો છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 70 કેસો નોંધાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા સહિત સૌથી વધારે ઝાડા ઉલટી, ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં કાર્યવાહી કરાય છે.
કોલેરાના 12 દિવસમાં 18 કેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય કેસોમાં કોલેરાના કેસો વધુ સામે આવ્યા છે. 12 દિવસમાં 18 કેસો નોંધાયા છે. તમામ કેસો પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. ઓગસ્ટ મહિનાના 12 દિવસમાં ઝાડા ઉલટીના 481 કેસો, ટાઇફોઇડના 313 કેસો, કમળાના 76 કેસો છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 243 કેસો નોંધાયા હતા. જેના પગલે અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રિન્સિપાલ કોર્પોરેશનના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રોગચાળો અટકાવવા પ્રયાસ
અમદાવાદ શહેરમાં જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન વરસાદી સીઝનમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થવાથી પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 952 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 17 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે, જ્યાં પણ આવા અનફિટ સેમ્પલો મળી આવ્યા છે, ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવે છે. તો બીજી તરફ શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ડેન્ગયુના કેસોમાં પણ વધારો
શહેરમાં ડેન્ગ્યુના કેસો સૌથી વધારે પશ્ચિમ વિસ્તારના સરખેજ, જોધપુર, શ્યામલ, સેટેલાઇટ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, થલતેજ, બોપલ, બોડકદેવ, મેમનગર સહિતના વિસ્તારોમાં વધ્યો છે. પૂર્વ વિસ્તારમાં રામોલ-હાથીજણ અને લાંભા વિસ્તારમાં કેસો વધ્યા છે. ઝાડા ઉલટીના સૌથી વધારે કિસ્સો પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા, વટવા, લાંભા, સરસપુર-રખિયાલ અમરાઈવાડી ગોમતીપુર જ્યારે ટાઈફોઇડના કહેશો વટવા, લાંભા, ગોમતીપુર અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં નોંધાયા છે.