હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વહીવટીતંત્રે આ ઇમારતોને ત્રણ દિવસ અગાઉથી ખાલી કરાવી દીધી હતી. આસપાસની 2-3 ઈમારત હજુ પણ જોખમમાં છે. અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એસડીએમ અની નરેશ વર્માના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરાશાયી થયેલાં મકાનોની સંખ્યા સાતથી આઠ છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના 3 જિલ્લા- સિમલા, મંડી અને સોલનમાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 15 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તેમજ દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 6 રાજ્યમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કાનપુરમાં ગંગા ભયજનક નિશાનને પાર
બુધવારે ઉત્તરપ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. રાજ્યભરમાં 4.5 સેમી વરસાદ નોંધાયો હતો. વરસાદ સંબંધિત ઘટનાઓમાં આઠ લોકોનાં મોત થયાં છે. બીજી તરફ, કાનપુરમાં ગંગા નદીનું પાણી ભયજનક નિશાનથી 3 મીટર ઉપર વહી રહ્યું છે, જેના કારણે 11 ગામમાં ગંગાનું પાણી ઘૂસી ગયું હતું.
ઇમારતો પહેલેથી જ ખાલી કરાવાઈ હતી
આ દુર્ઘટના આજે સવારે 9.30 વાગ્યે થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અગાઉ એક બિલ્ડિંગમાં કાંગડા કો-ઓપરેટિવ બેંક ચાલતી હતી અને બીજા બિલ્ડિંગમાં SBI બેંક પણ ચાલતી હતી. અમુક રૂમ ભાડૂઆતવાળી અને દુકાનો પણ ચાલી રહી હતી.
7થી 11 જુલાઈ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે એમાં તિરાડો દેખાવા લાગી હતી. આ જોખમને જોતાં વહીવટીતંત્રે તેમને પહેલેથી જ ખાલી કરાવી દીધાં હતાં અને મકાનમાલિકોને મકાનો ખાલી કરવા નોટિસ આપી હતી, પરંતુ એ દરમિયાન પહાડ પર બનેલા મકાનના પતનનો કોઈને ખ્યાલ નહોતો. એમાં પણ તિરાડો દેખાવા લાગી હતી. એટલા માટે લોકોએ એને જાતે જ ખાલી કરી દીધાં હતાં.
ઇમારતો સાથે બાંધવામાં આવેલાં મકાનો માટે જોખમ
ઈમારતો ધરાશાયી થતાં અહીંના લોકો ભયભીત છે. ખાસ કરીને જેમનાં મકાનો આ બિલ્ડિંગની સાથે બનેલાં છે તેમને નુકસાન થવાની વધુ ચિંતા છે. જણાવી દઈએ કે આ વખતે પહાડો પર વરસાદથી ઘણી તબાહી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે.