આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ રાજકોટમાં દારૂબંધી ન હોય તેવું લાગી રહ્યું છે. દારુડિયાઓ દારુ પીને મહિલાઓને ગાળો બોલીને હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે, ત્યારે રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે દારુડિયાનો ત્રાસ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. ધારાસભ્ય એ કહ્યું કે, દારૂડિયાઓનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે અને આ મામલે પોલીસ કમિશનરને ત્વરિત પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, સ્થાનિકો કહી રહ્યા છે કે, પોલીસે રજૂઆત કરવામાં આવી છે પણ હજૂ સુધી એક્શન લેવામાં આવી નથી.
દારૂડિયાનો ત્રાસ, મહિલાઓ પરેશાન
રાજકોટ પશ્ચિમ વિસ્તારનાં મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું કે, મારા મત વિસ્તારમાં આવતી રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આ વાત મારા ધ્યાન ઉપર આવતા તાત્કાલિક પોલીસ કમિશનરને સૂચના આપી છે અને આવા લોકો સ્થાનિકોને હેરાન ન કરે તે માટે તેની સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સાથે જ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાનો આદેશ આપ્યો છે.
મહિલાઓને નશાના ચુરમાં ધમકાવે છે દારૂડિયાઓ
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટનાં પોષ વિસ્તાર ગણાતા જુના એરપોર્ટ નજીક રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનાં આતંકની ઘટનાઓ સામે આવી હતી. જેમાં સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી રજૂઆતો કરી હતી. જેમાં લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દારૂડિયાઓ દારૂ પીને સોસાયટીના રહીશોને પરેશાન કરી રહ્યા છે. મહિલાઓ રાત્રિના સમયે એકલા બહાર પણ નથી નીકળી શકતી નથી. દારૂના નશામાં મહિલાઓને બીભત્સ ગાળો અને ધમકી આપવાની સાથે દારૂડિયાઓ બાઇક અને મકાનના બારી દરવાજાના કાચને નુકસાન પહોંચાડે છે.
દારૂડિયાને પકડીને પોલીસ છોડી દે છે
એટલું જ નહીં, સમગ્ર મામલે પોલીસ, મેયર, કોર્પોરેટર સહિતનાઓને અનેક વખત લેખિતમાં રજૂઆત કરાઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. દારૂડીયાઓના આતંક વિશે પોલીસને ફરિયાદ કરવામાં આવે ત્યારે પીસીઆર દારૂડિયાને ઉપાડી આગળના હનુમાન મઢી ચોકમાં ઉતારી દેતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ દારૂડીયાના આતંક વિશે પોલીસમાં ફરિયાદ કરવામાં આવે ત્યારે દારૂડિયાઓ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનો અને તેઓ પોલીસને હપ્તો આપતા હોવાથી પોલીસ અમારું કંઈ બગાડી લેશે નહીં તેવું દારૂડિયાઓ કહેતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો.