કુટુંબને સીમિત રાખવા અને અનઈચ્છનીય ગર્ભ ધારણ સામે સાવચેતી અંગે જાગૃતિ લાવવા વિશ્વમાં દર વર્ષે 26મી સપ્ટે.ના રોજ વિશ્વ ગર્ભ નિરોધક (કોન્ટ્રાસેપ્સન) દિવસ તરીકે ઉજવવામાં આવે છે, સાથેજ ગર્ભ નિરોધક સાધનોના ઉપયોગ સંદર્ભે જાગૃતિ આણવામાં પણ આવે છે.
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં કોઈ પણ મહિલાને જ્યાં સુધી ગર્ભ ધારણ કરવાના સંજોગો અનુકૂળ ન હોય ત્યાં સુધી તેમને વિવિધ ગર્ભ નિરોધક સાધનોના ઉપયોગ કરવા તમામ સ્ત્રીરોગ નિષ્ણાતની ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેમજ ગર્ભ નિરોધક સાધનોના લાભથી અવગત કરાવવામાં આવે છે, એવું હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. પ્રફુલ્લાબેન ભિંડે અને ડો.ચાર્મી પાવાણીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે,વસ્તીને નિયંત્રણમાં રાખવા અને બાળકના વ્યવસ્થિત ઉછેર તેમજ માતાના આરોગ્યની સંભાળ માટે ગર્ભ નિરોધક સાધનોના ઉપયોગની જરૂર છે, કેમકે આરોગ્યની સાથે સમાજિક અને આર્થિક સંતુલન જાળવવાનું પણ એટલુંજ જરૂરી છે.ઓછા બાળકોનું પાલન વ્યવસ્થિત થઈ શકે છે.અંતે બાળકો જ દેશ અને સમાજ માટે ભવિષ્ય છે.
હોસ્પિલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ધર્મી વેલાણીએ ગર્ભ નિરોધક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગર્ભ ધારણ ન થાય એ માટે બે પ્રક્રિયા છે,એક કામ ચલાઉ અને બીજી કાયમી. કામ ચલાઉમાં દવા, આંકડી, ઇન્જેક્શન તેમજ અન્ય સાધનો વિગેરેનો સમાવેશ થાય છે જ્યારે બીજી કાયમી પદ્ધતિમાં સ્ત્રી – પુરુષ માટે શસ્ત્રક્રિયા જેમાં ગર્ભ ધારણ માટે નસ અને નળી બંધ કરી દેતાં ગર્ભ રહેતો નથી. ઓપરેશન સુરક્ષિત અને સફળ ઈલાજ છે. ઓપરેશનને સરકાર પણ પ્રોત્સાહન આપે છે. આર્થિક પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. શસ્ત્રક્રિયા માટે નિયમિત સમયાંતરે કેમ્પનું આયોજન કરાય છે.