પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર શનિવારે, એટલે કે આજે સવારે આતંકી હુમલો થયો હતો. હથિયારોથી સજ્જ છ આત્મઘાતી બોમ્બર એરફોર્સ ટ્રેનિંગ બેઝમાં ઘૂસ્યા હતા. જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાની એરફોર્સ (PAF)એ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે બાકીના 3ને ઘેરી લેવામાં આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન 3 એરક્રાફ્ટ અને 1 ઇંધણ ટેન્કર નાશ પામ્યાં હતાં.
આ દરમિયાન એરબેઝની નજીક ગોળીઓ અને વિસ્ફોટના જોરદાર અવાજો સંભળાયા હતા. અહેવાલો અનુસાર, તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)એ હુમલાની જવાબદારી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓ સીડીઓ દ્વારા દીવાલ પર ચઢીને એરબેઝમાં પ્રવેશ્યા હતા.
PAFએ કહ્યું- અમારા જવાનોએ સમયસર મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો. એરબેઝની અંદર અને એની આસપાસ અંતિમ કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાન સશસ્ત્ર દળો કોઈપણ કિંમતે દેશમાંથી આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પાકિસ્તાની સેનાનું નિવેદન
પાકિસ્તાન આર્મી (ISPR)એ આ હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘4 નવેમ્બર 2023ના વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સે મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર આતંકવાદી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સૈનિકોએ તાત્કાલિક જવાબ આપતાં હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
સપ્ટેમ્બરમાં એક દિવસમાં 2 બ્લાસ્ટ થયા હતા
આ પહેલાં 28 સપ્ટેમ્બરે પાકિસ્તાનમાં બે જગ્યાએ બે બ્લાસ્ટ થયા હતા. પહેલો આત્મઘાતી હુમલો બલૂચિસ્તાનના મસ્તુંગ શહેરમાં એક મસ્જિદ પાસે થયો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આમાં DSP સહિત 54 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા સમયે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકઠા થઈ રહ્યા હતા.
બીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરની મસ્જિદમાં થયો હતો. આ પણ આત્મઘાતી હુમલો હતો. પાકિસ્તાની મીડિયા ‘ન્યૂઝ ઈન્ટરનેશનલ’ અનુસાર, અહીં એક પોલીસ અધિકારી સહિત 4 લોકો માર્યા ગયા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંક વધ્યો
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદી સંગઠન TTP પાકિસ્તાનમાં મજબૂત બન્યું છે. પાકિસ્તાનમાં જે આતંકવાદી સંગઠનો અસ્તિત્વ ધરાવે છે, જેને આતંકવાદની ફેક્ટરી કહેવામાં આવે છે, એમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સૌથી ખતરનાક માનવામાં આવે છે.
આ સંગઠને મલાલા યુસુફઝાઈ પર હુમલાની જવાબદારી લીધી હતી. તેણે જ પેશાવરની સૈનિક સ્કૂલ પર હુમલો કરીને 114 બાળકની હત્યા કરી હતી.
હકીકતમાં પાકિસ્તાની તાલિબાનના મૂળ એ જ સમયે સ્થાપિત થવાનું શરૂ થયું હતું, જ્યારે 2002માં અમેરિકન કાર્યવાહી બાદ અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયેલા ઘણા આતંકવાદીઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં છુપાયેલા હતા. જ્યારે આ આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્વાત ઘાટીમાં પાકિસ્તાની સેનાનો વિરોધ શરૂ થયો. આદિવાસી વિસ્તારોમાં ઘણાં બળવાખોર જૂથો વધવા લાગ્યાં.
આવી સ્થિતિમાં ડિસેમ્બર 2007માં બેતુલ્લાહ મહેસૂદના નેતૃત્વમાં 13 જૂથે તેહરીક અભિયાનમાં જોડાવાનું નક્કી કર્યું, તેથી સંગઠનનું નામ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન રાખવામાં આવ્યું. ટૂંકમાં તેને TTP અથવા પાકિસ્તાની તાલિબાન પણ કહેવામાં આવે છે. તે અફઘાનિસ્તાનના તાલિબાન સંગઠનથી અલગ છે, પરંતુ ઇરાદા લગભગ એક જ છે. બંને સંસ્થાઓ શરિયા કાયદો લાગુ કરવા માગે છે.