સ્ટેચ્યૂ ઓફ યુનિટી વહીવટી તંત્ર અને શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા નર્મદા નદીના કાંઠે નર્મદાઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર દરરોજ સાંજે મા નર્મદાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કેવડિયા ખાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો છે, જેથી નર્મદાઘાટ અદભુત રોશનીથી ઝગમગી ઊઠ્યો છે. મહાઆરતીની સાથોસાથ નર્મદાના કાંઠે ભવ્ય લેસર વોટર શોનું પણ દરરોજ આયોજન કરવામાં આવશે.
ગંગાઘાટ જેવો જ નર્મદાઘાટ બનીને તૈયાર
ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ ચૂક્યો છે. આ ઘાટ પર દરરોજ મહાઆરતી કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ નર્મદા નદીના ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી ધન્યતા અનુભવે છે. વારાણસી અને હરિદ્વારમાં જે ગંગાઘાટ છે એવો જ નર્મદાઘાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં બને એવી વડાપ્રધાને પરિકલ્પના કરી હતી. જ્યાં બેસીને ભક્તો નર્મદા સ્નાન કરી શકે, દરરોજ નર્મદા મૈયાની આરતી થાય અને નર્મદા સ્નાન માટે આવતા સાધુ-સંતો માટે એકદમ સુરક્ષિત સ્થાન હોય. સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિમીનું વિશાળ સરોવર બનાવ્યા બાદ ક્રૂઝ બોટ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે.
રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ
આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો ઘાટ ગોરા શૂલપાણેશ્વર મંદિર પાસે નર્મદાઘાટ બનાવવામાં આવ્યો છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવા માટે રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ રસ્તાને રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝગમગ કરવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા શૂલપાણેશ્વર મંદિરની સામે અને એના સાંનિધ્યમાં ગોરાઘાટ પર જ્યાં ભવ્ય લાઈટો, ફુવારા, લેસર શો અને અન્ય અદભુત નયનરમ્ય નજારો તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને એક અલગ જ નજારો જોવા મળ્યો છે. આ નજારો પ્રવાસીઓને દરરોજ જોવા મળશે. ખાસ આ આરતીમાં એકતા મહિલા મંડળની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.