ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે મળેલી બાતમીના આધારે ઇન્દ્રપુરા ગામથી વાગોસણા રોડ પર વિદેશી દારૃ ભરેલી ઈકો કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે દાદા ભગવાન નજીક ગાડી ઉભી રાખીને બુટલેગર નાસી ગયો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર 25 હજારથી વધુની કિંમતના વિદેશી દારૃ – બિયરનાં જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. જેનાં પગલે એલસીબીએ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સૂત્રો પીઆઈ ડી બી વાળાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇન્દ્રપુરા ગામથી વાગોસણા ગામ તરફ જવાના રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીનનો જથ્થો ભરી ઇટાદરા ગામનો બુટલેગર અજય રમણભાઇ રાવળ પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.
ત્યારે કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની ઈકો ગાડી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી. જેનો પોલીસે પીછો શરૂ કર્યો કરતા ઈકો ગાડી દાદા મંદિર પાસે ઉભી રહી ગઈ હતી. જેમાંથી એક ઈસમ દોડીને ખેતર વાટે ભાગી ગયો હતો. બાદમાં પોલીસે ગાડી પાસે જઈને તપાસ કરતા એક બાળ કિશોર ડ્રાઇવિંગ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેની પૂછતાંછ કરતાં ભાગી ગયેલ ઈસમ અજય રાવળ હોવાની કબૂલાત કરી હતી.
બાદમાં પોલીસે ઈકો ગાડીની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૃ અને બિયરની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતાં વિદેશી દારૂની નાની મોટી 151 બોટલો તેમજ બિયરનાં 24 ટીન મળીને કુલ રૂ. 25 હજાર 727 નો દારૂ હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે એલસીબીએ દારૃનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ ઈકો ગાડી મળીને કુલ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર વિરુદ્ધ માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.