ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. કેનબેરામાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 86 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટે 4 વિકેટ ઝડપી હતી.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-2.21.58-PM.jpeg)
ઘરઆંગણે 87 રનનો ટાર્ગેટ માત્ર 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. જેક ફ્રેઝર મેગાર્કે 41 અને જોશ ઇંગ્લિસે 35 રન બનાવ્યા હતા. ત્રીજી વનડેમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પણ 3-0થી જીતી લીધી હતી.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-2.22.13-PM.jpeg)
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી
કેનબેરાના માનુકા ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 13 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. યોર્ન ઓટલી માત્ર 8 રન બનાવીને ઝેવિયર બાર્ટલેટનો શિકાર બન્યો હતો. અહીંથી એલેક અથાનાઝે કેસી કાર્ટી સાથે ટીમની કમાન સંભાળી.
પાવરપ્લે પછી વિકેટો ગુમાવી રાખી
પ્રથમ પાવરપ્લેમાં માત્ર એક વિકેટ ગુમાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝનો દાવ વિખેરાઈ ગયો હતો. કાર્ટી 11મી ઓવરમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કેપ્ટન શાઈ હોપ 4, એલીક અથાનાઝ 32, રોસ્ટન ચેઝ 12, રોમારીયો શેફર્ડ 1 અને અલ્ઝારી જોસેફ 6 રન બનાવીને આઉટ થયા હતા.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-2.22.34-PM.jpeg)
ટેડી બિશપ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી અને ઓશન થોમસ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટીમ 24.1 ઓવરમાં માત્ર 86 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટને 4 વિકેટ મળી હતી. લાન્સ મોરિસ અને એડમ ઝામ્પાએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે એક સફળતા શોન એબોટને મળી હતી. એક બેટર પણ રનઆઉટ થયો હતો.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-2.22.59-PM.jpeg)
ઓસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો
ઓસ્ટ્રેલિયાએ 87 રનનો ટાર્ગેટ 2 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ઓપનર જેક ફ્રેઝર-મેગાર્ચ અને જોશ ઇંગ્લિસે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ 4 ઓવરમાં 59 રન ઉમેર્યા હતા. ફ્રેઝર-મેગાર્ક 18 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો.
નંબર-3 પર ઉતરેલ એરોન હાર્ડી માત્ર 2 રન બનાવીને ઓશેન થોમસનો શિકાર બન્યો હતો. તેના પછી કેપ્ટન સ્ટીવ સ્મિથે ઇંગ્લિસ સાથે મળીને ટીમને જીત તરફ દોરી હતી. ઇંગ્લિસ 35 અને સ્મિથ 6 રન બનાવીને અણનમ રહ્યા હતા. કાંગારૂ ટીમે 6.5 ઓવરમાં 87 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફ અને ઓશાન થોમસે એક-એક વિકેટ લીધી હતી.
ડેબ્યૂ મેચમાં જ મોરિસ ઈજાગ્રસ્ત થયો
ત્રીજી મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કરનાર ઝડપી બોલર લાન્સ મોરિસ ઈજાગ્રસ્ત થયો હતો. તેણે 2 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પરંતુ તેની પાંચમી ઓવરમાં 3 બોલ ફેંક્યા બાદ તેને સ્નાયુ ખેંચાઈ ગયા હતા. તે તરત જ મેદાનની બહાર ગયો અને ફરીથી બોલિંગ કરવા આવી શક્યો નહીં.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ કહ્યું કે મોરિસની ઈજા ગંભીર છે. અહેવાલો અનુસાર, તે મહિનાના અંતમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે.
ODI શ્રેણી ઓસ્ટ્રેલિયાએ જીતી
ત્રીજી વન-ડેમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વન-ડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડે 8 વિકેટે અને બીજી વન-ડે 83 રનના માર્જીનથી જીતી હતી.
બંને ટીમ વચ્ચે 3 T20 સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ હોબાર્ટમાં રમાશે. જ્યારે બીજી T20 11 ફેબ્રુઆરીએ એડિલેડમાં અને ત્રીજી T20 13 ફેબ્રુઆરીએ પર્થમાં રમાશે.