ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેરીલ મિચેલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી પણ રમી શકશે નહીં. તેના પગમાં ઈજા છે અને છેલ્લા 7 મહિનાથી તે આ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. હવે તેને સ્વસ્થ થવા માટે બ્રેક આપવામાં આવ્યો છે.
મિશેલે તેની પ્રથમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તેણે 2 ઇનિંગ્સમાં 34 અને 11 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન સામે પાંચમી T20 પણ નથી રમી
મિચેલ છેલ્લા 6 કે 7 મહિનાથી તેના પગની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે ઈજાગ્રસ્ત પગ સાથે ODI વર્લ્ડ કપ પણ રમ્યો હતો. ઈજાના કારણે તે જાન્યુઆરીમાં પાકિસ્તાન સામે છેલ્લી T20 રમી શક્યો ન હતો. તે હવે સંપૂર્ણ રીતે ફિટ થવા માગે છે, જેથી તે ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટમાં પોતાનું 100% આપી શકે.
કોચે કહ્યું, મિશેલને લાંબા વિરામની જરૂર છે
ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું, ‘અમે તેને અગાઉ પણ આરામ આપ્યો હતો પરંતુ ડોક્ટરોએ કહ્યું કે તેને વધુ આરામની જરૂર છે. તેને સતત મેચ વચ્ચે લાંબો બ્રેક આપવો મુશ્કેલ છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી સુધી તેને લગભગ 3 અઠવાડિયાનો આરામ મળશે. આ દરમિયાન અમે તેના સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ.
તે સાજો થઈ જશે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ કે આરામ મળ્યા બાદ તે ટીમ માટે લાંબો સમય ક્રિકેટ રમી શકશે.
વિલ યંગ બીજી ટેસ્ટ રમી શકે છે
ન્યૂઝીલેન્ડે ડેરીલ મિચેલના સ્થાને કોઈ ખેલાડીની જાહેરાત કરી નથી. જોકે, વિલ યંગ ટીમમાં હાજર છે, તેથી તેને બીજી ટેસ્ટમાં મિચેલની જગ્યાએ પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. કોચે કહ્યું કે ફાસ્ટ બોલર વિલ ઓ’રર્ક બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે. જો આમ થશે તો બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થઈ શકે છે.
કોચે કહ્યું, ‘વિલ બેકઅપ બેટર છે, તેથી તે મિચેલને સંપૂર્ણપણે બદલી શકે છે. ગ્લેન ફિલિપ્સ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અમે ટીમને જોઈને ખુશ છીએ. મિચેલ ચૂકી જશે, પરંતુ ઈજાને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવો એ વધુ સારો વિકલ્પ છે.
વિલિયમસન ઓસ્ટ્રેલિયા સામે T20 નહીં રમે
કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં. વિલિયમસન ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, તેથી તે બ્રેક પર રહેશે. જો કે, ટ્રેન્ટ બોલ્ટ T20 શ્રેણીમાં કમબેક કરી શકે છે, જે હાલમાં UAEમાં ILT20 રમી રહ્યો છે. તે 21 ફેબ્રુઆરી પછી કોઈપણ પ્રકારની ફ્રેન્ચાઈઝી ક્રિકેટ નહીં રમે.