બ્રાઝિલમાં એક મહિલા 68 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ લઈને બેંકમાં પહોંચી હતી. તે આ વ્યક્તિના નામે 2.71 લાખ રૂપિયાની લોન લેવા માંગતી હતી. એરિકા ડિસોઝા નુન્સ નામની મહિલા વ્યક્તિને કાકા કહીને બોલાવી રહી હતી. પોલીસે એરિકાની ધરપકડ કરી છે. આ ઘટના બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં બની હતી.
ખરેખરમાં, મંગળવારે (16 એપ્રિલ), એરિકા વ્હીલચેરમાં એક વૃદ્ધ સાથે બેંક પહોંચી હતી. વૃદ્ધની તબિયત સારી દેખાતી ન હતી, અને તેમનું માથું સતત ખુરશી પર પાછળ નમી જતું હતું. મહિલા વારંવાર તેના હાથ વડે માથું સીધુ કરવાનો પ્રયાસ કરી રહી હતી.
આ પછી એરિકાએ વૃદ્ધના હાથમાં પેન પકડાવવાનો પ્રયાસ કર્યો. તે વારંવાર તેને કાગળો પર સહી કરવા માટે કહી રહી હતી. સિક્યોરિટી કેમેરામાં રેકોર્ડ થયેલા વિડિયો પ્રમાણે એરિકા કહે છે, “અંકલ, તમે સાંભળી રહ્યાં છો. તમારે પેપર પર સહી કરવાની છે. નહીં તો આપણને લોન મેળશે નહીં. હું તમારા બદલે સહી નહીં કરી શકું.”
મહિલાએ વધુમાં કહ્યું, “અંકલ, તમે દસ્તાવેજ પર સહી કરો જેથી આપણને વધુ તકલીફ ન પડે. આપણે હવે વધુ સહન કરી શકતા નથી.” વૃદ્ધ તરફથી કોઈ જવાબ ન મળતા બેંક અધિકારીઓને શંકા ગઈ હતી. તે એરિકાને તેમને પાછા લઈ જવા માટે કહે છે.
એરિકા તેમને કહે છે કે તેમના અંકલ આ રીતે જ રહે છે. તે કશું બોલતા નથી. એરિકા વૃદ્ધ માણસ તરફ જુએ છે અને કહે છે, “જો તમારી તબિયત સારી નથી, તો તમારે ફરીથી હોસ્પિટલમાં જવું પડશે.” મહિલાના તમામ પ્રયાસો છતાં બેંક કર્મચારીઓની શંકા દૂર થતી નથી. આ પછી તેઓ પોલીસને જાણ કરે છે.
કેસની તપાસ કર્યા પછી, બુધવારે પોલીસે વૃદ્ધને મૃત જાહેર કર્યા અને એરિકાની ધરપકડ કરી. મૃતદેહને શબઘરમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ ચીફ ફેબિયો લુઈઝ-સૂઝાએ બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને જણાવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ કેટલાક કલાકો પહેલા થઈ ગયું હતું. એરિકા આ પહેલાથી જ જાણતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, એરિકા મૃતદેહ લઈને બેંક પહોંચી, જેથી ત્યાંના અધિકારીઓ વૃદ્ધ વ્યક્તિની ખરાબ સ્થિતિને ધ્યાનમાં લઈને ઝડપથી લોન મંજૂર કરી શકે. જોકે એરિકાના વકીલે દાવો કર્યો છે કે વૃદ્ધનું મૃત્યુ બેંકમાં જ થયું હતું. એરિકાને આની કોઈ જાણકારી નહોતી.
હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે એરિકા ખરેખર વૃદ્ધની ભત્રીજી છે કે કેમ. આ ઉપરાંત તેના પરિવારના અન્ય સભ્યોનો પણ સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.