ચીનમાં આજે (22 એપ્રિલ) ભારે વરસાદ અને પૂરની સંભાવના છે. તેની અસર પણ જોવા મળી રહી છે. 16 એપ્રિલથી ભારે વરસાદને કારણે દક્ષિણ ચીનના ઘણા શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. 44થી વધુ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
સિંગાપોરની રાષ્ટ્રીય સમાચાર એજન્સી CNA અનુસાર, પૂરના કારણે હજુ પણ 11થી વધુ લોકો લાપતા છે. ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 6 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
સ્થાનિક પ્રશાસન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત બચાવ અભિયાન ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઇમરજન્સી સેવાઓ એલર્ટ મોડ પર છે. પૂરને કારણે અત્યાર સુધીમાં 165 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 એપ્રિલની સાંજે દક્ષિણ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે ચીનમાં સદીનું સૌથી મોટું પૂર આવી શકે છે. માનવામાં આવે છે કે આ વાવાઝોડાથી લગભગ 12 કરોડ લોકો પ્રભાવિત થશે. આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે પહેલાથી જ ચેતવણી જારી કરી દીધી હતી.
ગુઆંગસી શહેર અને હેઝોઉ શહેરમાં 65 ભૂસ્ખલન થયા છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે ગુઆંગડોંગ શહેરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પર્લ નદી ડેલ્ટા પાણીથી ભરાઈ ગઈ છે. પૂરના પાણી અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે અને એક માળ સુધીના મકાનો ડૂબી ગયા છે.
પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી સરકારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત પર પ્રતિબંધ મુક્યો છે. દક્ષિણ ચીનની મુખ્ય નદી બેઈ નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. અહીં સોમવાર સુધીમાં 19 ફૂટની ઊંચાઈ સુધી રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
ચીનમાં દર 50 વર્ષમાં એકવાર આવું પૂર આવે છે. ગુઆંગડોંગમાં વહીવટીતંત્ર ઇમરજન્સી મોડમાં છે. આ સિવાય હવામાન વિભાગે જિયાંગસી અને ફુજિયાનમાં ભારે વરસાદની આગાહી કરી છે.
તોફાનની અસર ઝાઓકિંગ, શોગુઆન, કિંગયુઆન અને જિયાંગમેન શહેરમાં પણ જોવા મળી રહી છે. અહીં 12 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આખું ઝાઓકિંગ શહેર વીજળી વિનાનું છે. ત્રણ પ્રાંતોમાં 1 હજારથી વધુ શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં મોબાઈલ સિગ્નલ પણ ગાયબ થઈ ગયા છે. ગુઆંગડોંગના કિંગયુઆન અને શોગુઆનમાં મદદ માટે સૈનિકો મોકલવામાં આવ્યા છે.
ગુઆંગડોંગમાં 27 હાઇડ્રોલોજિકલ સ્ટેશન એલર્ટ પર છે. વરસાદની સાથે અહીં કરા પણ પડી રહ્યા છે. આ પહેલા ચીનમાં જૂન 2022માં આ પ્રકારનું ભયંકર પૂર આવ્યું હતું.