ભાવનગર શહેરના પ્રવેશદ્વાર એવા નારી ચોકડી પાસેથી મોટી માત્રામાં બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સોની ધડપકડ કરી છે આ પ્રકરણે રૂપિયા 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી છ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કોમલ હોટલના કંમ્પાઉન્ડમા ગેરકાયદે પ્રતિબંધિત જ્વલનશીલ પ્રવાહી નું વેચાણ કરવામાં આવે છે જે હકીકત આધારે ટીમે સ્થળપર રેડ કરતા મીઠું ભરીને આવેલ એક ટ્રક ચાલક ટ્રકની ટેન્કમા બાયોડીઝલ ભરાવી રહ્યો હતો અને એક શખ્સ આ ડીઝલ પૂરી રહ્યો હતો આ જ્વલનશીલ પ્રવાહી વેચાણ-સંગ્રહ માટે હાજર શખ્સ પાસે લાઈસન્સ માંગતા શખ્સ કોઈ આધારભૂત દસ્તાવેજ રજૂ ન કરી શકતા આ અંગે પુછતાછ કરતા શખ્સે પોતાનું નામ મુસ્તુફા ઉર્ફે મોહસીન હનિફ ભટ્ટી ઉ.વ.28 રે.નેસડા તા.સિહોર તથા ટ્રક ચાલકે પોતાનું નામ અનવર સુલતાન શેખ રે.મહુવા વાળો હોવાનું જણાવ્યું હતું અને આ બાયોડીઝલનો જથ્થો કનુ કાળુભાઈ ડાંગર, મુકેશ ડાંગર રે.નેસડા તથા અરજણ આહિર રે.માઈધાર તા.પાલીતાણા વાળા નું હોવાનું જણાવ્યું હતું, આથી સ્ટેટ મોનિટરિંગ સેલે ટેન્કર ચાલક સહિત છ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાયોડીઝલ ટ્રક ટ્રેન્કર તથા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી કુલ રૂ.23,83,560 નો મુદ્દામાલ કબ્જે કરી વરતેજ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.