મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ મળીને T20 વર્લ્ડ કપ માટે ભારતના શ્રેષ્ઠ 15 ખેલાડીઓની જાહેરાત કરી છે. ચાહકોને આશા છે કે આ ટીમ 17 વર્ષની રાહનો અંત લાવશે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન એવું નથી માનતા. તેનું માનવું છે કે જો જો વિરાટ કોહલી રન નહીં બનાવે તો ભારત માટે T20 વર્લ્ડ કપ જીતવો મુશ્કેલ થઈ જશે
ભારતે ધોનીની કપ્તાનીમાં 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ત્યાર બાદ 17 વર્ષ થઈ ગયા, પરંતુ ટીમે આ ટ્રોફી ફરી જીતી નથી. હવે ફરી એકવાર ક્રિકેટનો આ ‘મહા કુંભ’ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવા જઈ રહ્યો છે અને દેશવાશીઓને આશા છે કે રોહિત શર્મા 17 વર્ષની આ રાહનો અંત લાવશે. ભારત આ વખતે ટ્રોફી સાથે પરત ફરશે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન એવું નથી માનતો. તેનું માનવું છે કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપ જીતી શકશે નહીં. પરંતુ ચાલો જાણીએ કે તેણે આવું કેમ કહ્યું.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ટિમ પેઈને ભારતની જીત માટે એક પોઈન્ટ તરફ ઈશારો કર્યો છે. એરોન ફિન્ચ અને માઈકલ ક્લાર્ક સાથે ‘અરાઉન્ડ ધ વિકેટ’ પોડકાસ્ટ પર વાત કરતી વખતે તેણે કહ્યું કે જો વિરાટ કોહલી રન નહીં બનાવે તો ભારત માટે T20 વર્લ્ડ કપ જીતવો મુશ્કેલ થઈ જશે. તેણે કહ્યું કે કોહલીના રન અને ભારતના વર્લ્ડ કપ વચ્ચે સીધો સંબંધ છે.
ભારત પાસે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા વિસ્ફોટક ઓપનર છે. વચ્ચેની ઓવરોમાં સિક્સર ફટકારવા માટે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે જેવા ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં ચાહકોને પ્રશ્ન થશે કે આ બેટ્સમેનોની સાથે ભારત શા માટે વિશ્વ કપ માટે માત્ર કોહલી પર નિર્ભર રહેશે? ટિમ પેઈને ભારતીય બેટ્સમેનોના વર્તમાન ખરાબ ફોર્મને તેની પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. ભારતના ટોપ-4માં માત્ર વિરાટ કોહલી જ IPLમાં ફુલ ફોર્મમાં જોવા મળ્યો છે. આ સિવાય તેણે વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજ પર હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે.
IPL 2024માં વિરાટ કોહલી ખતરનાક ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેની બેટિંગના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફરીથી પ્લેઓફની રેસમાં આવી ગઈ છે. આ સિઝનમાં તેણે 13 મેચમાં 155ના સ્ટ્રાઈક રેટથી 661 રન બનાવ્યા છે. જેમાં 5 અડધી સદી અને 1 સદીનો પણ સમાવેશ થાય છે. કોહલીએ આ સિઝનમાં તેની સમગ્ર કારકિર્દીની શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે. આવી સ્થિતિમાં જો તે આ ફોર્મ ચાલુ રાખશે તો ભારત આ વખતે વર્લ્ડ કપનું દાવેદાર બની શકે છે.