વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક એવા દર્દીને લાવવામાં આવ્યો હતો કે, જેના ગરદનના ભાગમાં તીર વાગ્યું હતું અને ગંભીર ઇજાઓને થતાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં સર્જન દ્વારા 14 સેમીનું તીર સફળ સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું અને દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
દર્દીના ગળાના ભાગે તીર વાગ્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર આ દર્દીને ગત 31 મેના રોજ વહેલી સવારે 25 વર્ષીય દર્દીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દર્દીના ગળાના ભાગે તીર વાગ્યું હતું અને આ ઘટના આગલા દિવસે સાંજે 5 વાગ્યે મધ્યપ્રદેશના અલીરાજપુરના અંબાવા ગામ ખાતે બબાલ થઈ હતી જેમાં અન્ય વ્યક્તિએ હુમલો કરતા બની હતી. ગંભીર રીતે ઘવાયેલા દર્દીને ઘટનાસ્થળેથી સીધો જ મેડિકલ સેન્ટર ઝાયડસ હોસ્પિટલ દાહોદમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને SSG હોસ્પિટલ વડોદરામાં રીફર કરવામાં આવ્યો હતો.
આ દર્દીને ENT અને હેડ નેક સર્જરી વિભાગ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. રેડિયોલોજીએ બતાવ્યું કે, તીર ગળામાં C5 વર્ટીબ્રા સુધી પહોંચી ગયું હતું. જો કે, સદભાગ્યે, ગરદનની મુખ્ય રક્તવાહિનીઓ અને નસ ઈજાથી બચી ગઇ હતી. દર્દીએ ENT સર્જન અને ન્યુરોસર્જન સંયુક્ત અભિગમ દ્વારા ગળાનું ઓપેરશન કરીને તીરને બહાર કાઢ્યું હતું. તીર થાઇરોઇડ કોમલાસ્થિ (એરવે), ફૂડ પાઈપને વીંધી નાખ્યું હતું અને C5 વર્ટીબ્રામાં પ્રવેશ્યું હતું.
સફળ સર્જરી બાદ બહાર કઢાયેલું તીર લગભગ 14 સેમી લાંબુ હતું. દર્દીની હાલત હાલ સ્થિર છે. આધુનિક યુગમાં તીરની ઇજાઓ દુર્લભ છે. જો કે, મધ્યપ્રદેશમાં અલીરાજપુરમાં અમુક વિસ્તાર છે, જ્યાં તીરંદાજી સ્થાનિક સમુદાયોનો અભિન્ન ભાગ છે. બાળકો નાની ઉંમરે ધનુષ્ય અને તીર વડે તીરંદાજીની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે છે. પુખ્ત વયના લોકો ધાતુના તીરોનો ઉપયોગ કરે છે, જે સારી રીતે સંતુલિત હોય છે. સ્થાનિક લોકો પોતાને સુપ્રસિદ્ધ એકલવ્યના વંશજ માને છે અને તેથી તેઓ તેમના પૂર્વજને આદર દર્શાવવા તીરંદાજી માટે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરે છે. આથી તીરંદાજી તેમની સંસ્કૃતિમાં ઊંડે ઊંડે વણાયેલી છે. જો કે, નિયમિત રીતે તીરંદાજીનો ઉપયોગ પશુપાલન અને રક્ષણ માટે કરવામાં આવે છે, પરંતુ સમયાંતરે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ જોવા મળે છે.