જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન પર બે ભાઈઓ દ્વારા જૂની અદાવતનું મન દુઃખ રાખીને છરી વડે જીવલેણ હુમલો કરી દેવાતા ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે બંને આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા જતીન નાનજીભાઈ રાઠોડ નામના યુવાનને તેના જ પરિચીત એવા જીગર રાજુભાઈ મકવાણા અને સાહિલ રાજુભાઈ મકવાણા નામના બે શખ્સોએ નાસ્તો કરવાના બહાને બોલાવ્યો હતો અને જૂની અદાવતનું મનદુઃખ રાખીને ઇન્દિરા કોલોની વિસ્તારમાં જ તેના ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો અને પેટમાં ઊંડા ઘા મારી દેતાં તેના આંતરડા બહાર નીકળી ગયા હતા.
આ હુમલા બાદ બંને આરોપીઓ ભાગી છૂટયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત યુવાન જતીનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાં તેની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે. જ્યારે સિટી સી ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્ત યુવાન જતીનના ભાઈ કલ્પેશ નાનજીભાઈ રાઠોડની ફરિયાદના આધારે બંને આરોપીઓ જીગર અને સાહિલ મકવાણા સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.