સિક્કિમમાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી થયું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વારંવાર નાના ભૂસ્ખલનને કારણે, 510 મેગાવોટ પાવર સ્ટેશન ભૂસ્ખલનના જોખમમાં હતું. મંગળવારે પાવર સ્ટેશનને અડીને આવેલી ટેકરીનો મોટો ભાગ લપસીને પાવર સ્ટેશન પર પડ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. કારણ કે સતત ભૂસ્ખલનને કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું. દેશના ઘણા રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટાં ચાલુ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ 107 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચમ્બામાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. શિમલા હવામાન વિભાગે બુધવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.