કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડર વચ્ચે થાણેના બદલાપુરમાં શાળામાં બે છોકરીના યૌનશોષણનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ મંગળવારે ગુસ્સે ભરાયેલા ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાંએ પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, બાળકીની ઉંમર 3 તો કેટલાકમાં 4 વર્ષ જણાવવામાં આવી છે.
પોલીસે ભીડને રોકવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા, ત્યાર બાદ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. 23 વર્ષીય આરોપીએ 16 ઓગસ્ટના રોજ શાળાના બાથરૂમમાં છોકરીઓનું યૌનશોષણ કર્યું હતું. છોકરીનાં માતા-પિતાએ એક દિવસ પછી FIR નોંધાવી.
પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. એ વિસ્તારની મહિલા નિરીક્ષક શુભદા શિતોલેની બદલી કરવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.
મંગળવારે સવારે 8 વાગ્યે ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઊભા રહીને વિરોધ શરૂ કર્યો હતો. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. એના વિરોધમાં અનેક સંગઠનોએ આજે બદલાપુર બંધનું એલાન આપ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુનેગારોને વહેલી તકે સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે 10 વર્ષ પહેલાં દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની હતી અને દોષિતોને સજા મળી હતી, પરંતુ કેટલા સમય પછી? ન્યાયમાં વિલંબ કરનારાઓને પણ દોષિત ઠેરવવા જોઈએ. એનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.
મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આરોપ લગાવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે આ ઘટના મહારાષ્ટ્ર માટે શરમજનક છે. દરેકની માગ છે કે કેસની સુનાવણી ફાસ્ટટ્રેક પર થાય અને આરોપીઓને ત્રણ મહિનામાં ફાંસી આપવામાં આવે.