અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધમનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ મા ઉમિયાના સ્મૃતિ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વિશ્વઉમિયાધામ મંદિર ખાતે છેલ્લા અઢી વર્ષથી રાજ્ય-દેશ અને દુનિયાથી મા ઉમિયાના દર્શને આવતા ભક્તો માટે નિશુલ્ક ભોજન પ્રસાદ માટે ઉમાપ્રસાદમ્ નામથી સદાવ્રત ચાલી રહ્યું છે. જેની શરૂઆત 2022માં કરવામાં આવી હતી. આ ઉમાપ્રસાદમમાં અઢી વર્ષમાં લગભગ 10 લાખ વધુ મા ઉમિયાના ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે.
ઉમાપ્રસાદ અંગે વિગતે વાત કરતા વિશ્વઉમિયાધામ સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે મા ઉમિયાના દર્શને આવતા ભક્તો પ્રસાદી લઈને જ ઘરે જાય તેવા શ્રેષ્ઠ ઉદ્દેશ્યથી ઉમાપ્રસાદમ સદાવ્રતની શરૂઆત કરી હતી. જેમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. 2024ના આ શ્રાવણ મહિનામાં રોજના 5000થી વધુ ભક્તો ઉમાપ્રસાદમનો લાભ લેતા હતા. એટલે કુલ 1.5 લાખ વધુ મા ઉમિયાના ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
મહત્વનું છે કે નિશુલ્ક ચાલતા ઉમાપ્રસાદમમાં ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં અનેક ભક્તો ચોખા, ઘઉં, મીઠું, કરિયાણુ સહિતના રસોડાની વસ્તુનું દાન આપે છે તથા અનેક સમાજશ્રેષ્ઠીઓ દ્વારા આર્થિક રીતે પણ લાખો રૂપિયાનું દાન નોંધાવી રહ્યા છે. દર શ્રાવણ મહિનામાં 1.5થી 2 લાખ ભાવિ ભક્તો ઉમાપ્રસાદમમાં નિશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લે છે.