News Updates
GUJARAT

ધો. 1ની વિદ્યાર્થિનીનો શાળામાંથી મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી, પીએમ રિપોર્ટ બાદ SPએ કહ્યું- હત્યાનો ગુનો નોંધાશે

Spread the love

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શાળાએ ગયેલી વિદ્યાર્થિની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાને તાળા મારેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાહોદના એસપીએ જણાવ્યું કે, આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવશે.

ધોરણ 1માં અભ્યાસ કરતી માસૂમ બાળકી સાથે શાળામાં જ એવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નિપજ્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. રાત્રિના સમયે જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવ સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં રહેતી વિદ્યાર્થિનીનું પીપળીયા ગામ નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ-1માં આજ વર્ષે એડમિશન લેવામાં આવ્યું હતું. વિદ્યાર્થિની નિયમિત શાળાએ જતી-આવતી હતી. વિદ્યાર્થિની 19મી સપ્ટેમ્બરના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામા ઘરેથી પોતાની સ્કૂલબેગ લઈને શાળાએ જવા નીકળી હતી અને સમયસર શાળાએ પહોંચી હતી. પરંતુ, શાળાનો સમય પૂર્ણ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ વિદ્યાર્થિની શાળા છૂટ્યાના એક કલાક બાદ એટલે કે 6:00 વાગ્યા સુધી ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામા મુકાયા હતા અને દીકરીની શોધખોળ શરુ કરી હતી.

વિદ્યાર્થિની સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. જ્યાં શાળાનો મુખ્ય ગેટ પર તાળું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કૂદીને શાળામાં પ્રવેશ્યાં હતાં અને તપાસ હાથ ધરી હતી. શાળામાં ચારેય તરફ દીકરીના નામની બૂમો પાડી હતી પરંતુ, કોઈ પ્રત્યુત્તર ન મળતાં શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોધખોળ કરતા દીકરી શાળાના કમ્પાઉન્ડ અને ક્લાસરૂમની દીવાલ વચ્ચેના ખાચામાંથી મળી આવી હતી. બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને સીંગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ, ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતાં લીમખેડાના પ્રાંત અધિકારી ભવ્ય કુમાર નિનામા અને દાહોદ એસપી ડો.રાજદીપસિંહ ઝાલા તાત્કાલિક લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસ શરુ કરી હતી. એસ.પી. ફોરેન્સિક તપાસ ટીમ સાથે મોડી રાતે જ દાહોદ એલસીબીની ટીમ સાથે ઘટનાસ્થળ તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને શાળાને ઓરડાઓને કોર્ડન કરીને ઘટનાની ઝીણવટભરી તપાસ શરુ કરી હતી.

સમગ્ર ઘટના મામલે પોલીસે સૌ પ્રથમ અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી હતી. મૃતદેહને ફોરેન્સિક પેનલ પી.એમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યો છે. જ્યા પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બાળકીનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એ.બારિયા પણ ટીમ સાથે તોરણી પ્રાથમિક શાળા પર પહોંચ્યા હતા. DPEOએ કહ્યું હતું કે, આ બનાવ અંગે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મધ્યાહન ભોજન સંચાલકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પોલીસ પણ તપાસ કરી રહી છે. બંને રિપોર્ટ બાદ જે કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકી શાળામાંથી બેભાન અવસ્થામાં તેમના વાલીને મળી આવી હતી. જે બાદ હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલે પેનલ પીએમ કરાવતાં હાલમાં પીએમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. એ મુજબ બાળકીનો શ્વાસ રૂધાંય જવાથી બાળકીનું મોત થયું છે. જેથી આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે સેમ્પલો લેવામાં આવ્યાં છે તેને હિસ્ટોપેથોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે. જેના આધારે ફાઈનલ ક્લોજ ઓફ ડેથ ડોક્ટર જણાવશે. પરંતુ હાલમાં પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે મોતનું કારણ શ્વાસ રૂધાવાથી થયું હોવાની શંકા છે. બાળકીને અન્ય કોઈ ઈજા પહોંચાડવામાં આવી છે કે કેમ તેની જાણ હવે થશે.


Spread the love

Related posts

વંદે ભારત ટ્રેનમાં મળશે ફાઈવ સ્ટાર સુવિધા, ટૂંક સમયમાં શરુ થશે વંદે ભારત સ્લીપર ટ્રેન

Team News Updates

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates

બ્લેક ફિલ્મ કાચવાળી કાર અકસ્માત સર્જી ફરાર:રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને હડફેટે લેતા પતિ-પત્ની અને પુત્ર ફંગોળાયા; ચાલકને ગંભીર ઇજા પહોંચી

Team News Updates