સુરતના લિંબાયતમાં રહેતી 10 વર્ષની માસુમ બાળકી સાથે છેડતીનો બનાવ બન્યો છે. બાળકી ચોકલેટ લેવા માટે કરિયાણની દુકાને ગઈ હતી. તે વખતે દુકાનદારે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી જાહેરમાં અડપલા કર્યા હતા. તેમજ બનાવ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બાળકીએ ઘરે જઈ પરિવારને સઘળી હકિકત જણાવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
65 વર્ષીય આરોપી સબીર સમસુદ્દીન શેખ લિંબાયત મારૂતીનગરમાં રહે છે અને સમીર કરિયાણા સ્ટોરના નામે દુકાન ચલાવે છે. તેની દુકાનમાં 10 વર્ષની માસુમ બાળકી ચોકલેટ લેવા માટે ગઈ હતી. ત્યારે સબીરે માસુમ બાળકીનો એકલતાનો લાભ ઉઠાવી જાહેરમાં શારીરિક અડપલા કર્યા હતા. તેમજ માસુમ બાળકીને અગર યે બાત કીસી કો બતાઈ તો જાન સે માર દુંગા તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, બાદમાં બાળકીએ ઘરે ગયા બાદ તેની માતાને તમામ હકિકત જણાવી હતી. બનાવ અંગે લિંબાયત પોલીસે બાળકીના પરિવારની ફરિયાદ લઈ કરિયાણા સ્ટોર દુકાનના માલિક સબીર શેખ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.