સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ચાર આપઘાતના બનાવ સામે આવ્યા છે, જેમાં સવારે ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળેલા કાપડ દલાલે રસ્તામાં એસિડ ગટગટાવી લેતાં મોત નીપજ્યું હતું. તો બીજા બનાવમાં 17 વર્ષીય સગીરે ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્રીજા બનાવમાં મહિલાએ ત્રીજા માળેથી ઝપંલાવી લેતાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. ચોથી ઘટનામાં મહિલાએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. 24 કલાકમાં અપમૃત્યુના ચાર બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
કાપડ દલાલે એસિડ ગટગટાવી આપઘાત કર્યો
મૂળ હરિયાણાના વતની પૂનમચંદ્ર પ્રેમરતન રાઠી (ઉં.વ. 56) પરિવાર સાથે અલથાણ-ભીમરાડ રોડ સ્થિત ઇકો પોઇન્ટમાં રહેતા હતા અને કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન સવારે ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળેલા પૂનમચંદ્ર રાઠીએ ભગવાન મહાવીર કોલેજ નજીક એસિડ ગટગટાવી લીધું હતું. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.
17 વર્ષીય સગીરે આપઘાત કર્યો
સુરતના ઉન વિસ્તારમાં 17 વર્ષીય સગીરે આપઘાત કર્યો હતો. સગીરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીર ઉન નાકા ખાતે ગેસ વેલ્ડિંગનું કામ કરતો હતો. રાત્રે એકલતાનો લાભ લઈને ફાંસો ખાઈ લીધો હતો. સવારે ભાઈને નાનો ભાઈ લટકતી હાલતમાં મળ્યો હતો. ત્યાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.
બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
વેસુ સ્થિત સ્વાગત ક્લિપટોનમાં રહેતાં ગીતાદેવી મોહનલાલ કાનોડિયા (ઉં.વ. 75)એ પોતાના ઘરે બીજા માળેથી ઝંપલાવી દીધું હતું. એને લીધે તેમને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાતાં તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા. ગીતાદેવી બીમાર રહેવા સાથે ચાલવામાં તકલીફ અનુભવતા હોવાથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
મહિલાના આપઘાતનું કારણ અકબંધ
રાંદેર સ્થિત તુલસી ભવન એપાર્ટમેન્ટમાં રહેતી કૈલાસબેન ઠાકોરભાઈ પટેલ (ઉં.વ. 63)એ ઘરમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. આમ, શહેરમાં જુદા જુદા બનાવમાં 4 વ્યક્તિએ આપઘાત કરી જીવનલીલા સંકેલી લીધી હતી.