રાજકોટના રેસકોર્સમાં બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના વિરોધમાં હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. આજે કાર્યક્રમને લઇ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેણે બાબાના દરબાર યોજવા મંજૂરી ન આપવા અથવા મંજૂરી આપે તો શરતોનું પાલન કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં બાબાને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, રેસકોર્સમાં યોજાનાર કાર્યક્રમમાં અમારા 50 માણસો હશે, બાબા તેમના નામ કે પાનકાર્ડ નંબર કહી બતાવે.
બાબા તેમના નામ કે પાનકાર્ડ નંબર કહી બતાવે
જયંત પંડ્યાએ કહ્યું હતું કે, કલેક્ટરને આવદન આપીને રજૂઆત કરવામાં આવી છે કે, 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાનાર છે. આ દિવ્ય દરબારમાં અવૈજ્ઞાનિક, લોકોને ગુમરાહ, ભાવના સાથે ખીલવાડ, કોઈપણ જાતના લાયસન્સ વગર મેડિકલ સારવાર વગેરે કાર્યવાહી તેઓ કરે છે. તો ખરેખર તેનાં પર પાબંધી મૂકીને આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. ત્યારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને રેલી યોજીશું. બાબા બાગેશ્વરને ચેલેન્જ આપતા તેમણે કહ્યું કે, દરબારમાં અમારા 50 વ્યક્તિઓ હશે, બાબા તેમના નામ અથવા તેમના ખીસ્સામાં શું છે? તેમજ ખીસ્સામાં રહેલા રૂપિયાની નોટના નંબર અથવા પાનકાર્ડના નંબર શું છે? તે કહી બતાવે.
હિંદુ કે સનાતન ધર્મને અમે પણ માનીએ છીએ
વધુમાં તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન જાથા 32 વર્ષથી કામ કરે છે, વિજ્ઞાન જાથા બોલે છે એ પ્રમાણે કાર્યક્રમો આપે છે. વિજ્ઞાન જાથાના શબ્દકોષની અંદર ડર કે ભય જેવો શબ્દ નથી. અમે અમારા કાર્યક્રમ આપીશું અને બાબા અમારી ચેલેન્જને સ્વીકારે તેવી વિનંતી પણ કરીશું. આ તેમની વિશ્વાસનીયતા સાબિત કરવાનો અવસર છે. હિંદુ કે સનાતન ધર્મને અમે પણ માનીએ છીએ. પરંતુ સનાતન ધર્મના ઓઠા હેઠળ બાબા જે કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી. અમે તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહ્યા છીએ. પેન ડ્રાઇવમાં આ પુરાવા પોલીસ કમિશ્નરને આપી લોકોને જાગૃત કરવાનું કામ કરીશું.