ચીનમાં એક મહિલાની મંગળવારે રાત્રે સેનાનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ક્ઝી નામની મહિલા પર આરોપ છે કે તેણે ચીની સૈન્ય પર કરવામાં આવેલા મજાક પર કોમેડિયનને સમર્થન આપ્યું હતું. વાસ્તવમાં, એક કોમેડી શો દરમિયાન, પ્રખ્યાત ચીની કોમેડિયન હાઓશીએ બે શ્વાનના વર્તનની તુલના શી જિનપિંગના લશ્કરી સ્લોગન સાથે કરી હતી.
આ મજાક પર તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેના પર મહિલાએ કહ્યું હતું કે કોમેડિયનને નોકરીમાંથી કાઢી મૂકવું ખોટું છે. મહિલાએ આગળ કહ્યું- આપણા સૈનિકો પણ એકબીજાના ભાઈ છે. મજાકમાં પ્રાણીઓ સાથે તેમની સરખામણી કરવી એ ખોટું નથી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ ઘટના ચીનના ઉત્તર પૂર્વીય શહેર ડાલિયાનની છે. તે જ સમયે, પોલીસે તેના નિવેદનમાં કહ્યું છે કે ચીની સૈનિકોનું સન્માન કરવું જોઈએ.
કોમેડી ફર્મને 15 કરોડનો દંડ
કોમેડી શો દરમિયાન, હાઓશીએ કહ્યું હતું – હું ખિસકોલીની પાછળ દોડતા બે શ્વાનને જોઈ રહ્યો હતો. ત્યારે જ મને પીપલ્સ લિબરેશન આર્મીનું સૂત્ર યાદ આવ્યું, જેમાં તેઓ કહે છે- ‘ફાઈટ વેલ, વિન ધ બેટલ’.
ચીનના સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા ઓડિયોમાં સાંભળવા મળે છે કે ત્યાં હાજર દર્શકો આ જોક પર જોર જોરથી હસે છે. જ્યારે એક વ્યક્તિએ આ અંગે પોતાનો વાંધો નોંધાવ્યો હતો. આ પછી કંપની પર 15 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ કોમેડિયનને હટાવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2021માં ચીનની સરકારે સેનાના અપમાનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. બેઇજિંગમાં પોલીસે જણાવ્યું કે તેઓ સેનાના અપમાનના મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.