બાંગ્લાદેશના કેપ્ટન અને ઓપનિંગ બેટર તમીમ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ગુરુવારે ચટ્ટોગ્રામમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી. કેમેરા સામે જાહેરાત કરતી વખતે તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
34 વર્ષીય તમિમે બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે, ટીમ માટે તેની કુલ 25 આંતરરાષ્ટ્રીય સદીઓ છે.
અફઘાનિસ્તાનમાં હાર બાદ નિવૃત્તિ લીધી
તમિમની કપ્તાની હેઠળ બાંગ્લાદેશે બુધવારે અફઘાનિસ્તાન સામે 3 મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમી હતી. વરસાદ વિક્ષેપિત મેચમાં અફઘાનિસ્તાન સામે ટીમને 17 રને હાર મળી હતી. તમીમ આ મેચમાં 21 બોલ રમીને માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.
મેચમાં હાર બાદ તમીમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નિવૃત્તિની જાહેરાત કરતાં તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે કહ્યું, ‘ગઈકાલની અફઘાનિસ્તાન સામેની મેચ મારી છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી.’
‘મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું’ – તમીમ
નિવૃત્તિની જાહેરાત કરતાં તમીમે કહ્યું, ‘મારા માટે આ અંત છે. મેં હંમેશા મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને હવેથી હું મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. મેં આ નિર્ણય અચાનક નથી લીધો, હું ઘણા દિવસોથી તેના વિશે વિચારી રહ્યો હતો. હું કારણ જણાવવા માગતો નથી, પરંતુ મારા પરિવાર સાથે વાત કર્યા બાદ જ મેં આ નિર્ણય લીધો છે.’
34 વર્ષીય તમીમે પોતાના સાથી ખેલાડીઓ, કોચ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો હતો. બાંગ્લાદેશ બોર્ડે ટીમના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું નથી. ઓલરાઉન્ડર શાકિબ અલ હસન T20 અને બેટર લિટન દાસ ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.
બાંગ્લાદેશ માટે 15 હજાર રન બનાવ્યા
તમીમે 2007માં તેની ODI ડેબ્યૂ કરી હતી, તે જ વર્ષે તેણે ભારત સામે ODI વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તેણે વન-ડેમાં 14 સદીની મદદથી 8313 રન બનાવ્યા છે. T20માં તેની સદી પણ છે, તેણે ગયા વર્ષે આ જ સમયે T20માંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
તમીમ 70 ટેસ્ટ પણ રમ્યો હતો. જેમાં તેણે 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા હતા. ત્રણેય ફોર્મેટ સહિત, તેણે 25 સદી ફટકારી અને 15205 રન બનાવ્યા.
37 વન-ડેમાં કેપ્ટનશિપ કરી
તમીમે 37 વન-ડે મેચમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી છે. તેણે 21 મેચમાં ટીમને જીત અપાવી હતી. તેની કેપ્ટનશિપમાં ટીમે ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ તે ટીમ સાથે આ વખતનો વર્લ્ડ કપ રમી શકશે નહીં. તેણે 2017માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં પણ ટીમનું સુકાન સંભાળ્યું હતું.